ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગઈકાલથી અમદાવાદ કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દેડિયાપાડા, અમદાવાદ, માંગરોળ, ક્વાંટ, માંડવી અને વાલિયા સહિતના વિસ્તારોમાં થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. રાજયમાં ભાદરવાના વરસાદે મોટાભાગની ખાધ દૂર કરી છે. જામનગર અને દ્વારકા જિલ્લા સહિત 6 જિલ્લાઓમાં મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. જયારે આઠ જિલ્લાઓમાં હજુ 38 ટકાથી વધુ વરસાદની ખાધ રહેલી છે. દરમ્યાન હવામાન વિભાગે આગામી 48 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં ગઈ કાલથી જબરદસ્ત વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારે કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરમાં એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.સોમવારે રાત્રે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. કાળજુ કંપાવી દે તેવા કડાકાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો.
વાડજ વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના બી-6 બ્લોકના ધાબા પર વિજળી પડી હતી. વિજળી પડતા જ ધાબાની દિવાલમાં સામાન્ય નુકશાન થયું હતું જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી. સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયા હતા. ફ્લેટની બહારની દિવાલ જાણે આગ લાગી હોય તે રીતની કાળી થઈ ગઈ હતી. જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. શહેરમાં રાતનો માહોલ ખૂબજ ડરાવનો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે કડાકાના ભારે અવાજથી જ લોકોની ફફડાટને કારણે ઊંઘ ઉડી ગઈ હતી.
ભાદરવાએ કસર પૂરી કરી : 141 તાલુકામાં વરસાદ
જામનગર-દ્વારકા સહિત 6 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ : 8 જિલ્લાઓમાં હજુ 38 ટકાથી વધુની ઘટ : અમદાવાદમાં સવારે બિહામણા કડાકા સાથે ધોધમાર બે ઇંચ : ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા