જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની પુરની સ્થિતી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લામાં પુરની સ્થિતી તથા હાથ ધરાયેલ તંત્ર દ્વારા કામગીરી અંગેની વિગતો મેળવી હતી. મંત્રીએ ઘરવખરી સહાય ચુકવણી, કેશડોલ, ચુકવવામાં આવેલ સહાય તથા ચુકવવામાં આવનાર સહાય, પાણી-ઘાસ-અનાજ-વિજળી-રોડ રસ્તા વગેરેની સ્થિતી ખેતી તથા ઘરોમાં નુકશાન વગેરે બાબતોની સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.
મંત્રીએ આ તકે જિલ્લામાં રોગચાળો ન ફાટે તે માટેઆરોગ્ય તંત્રને સચેત બની કામગીરી કરવા, ધોવાયેલા રસ્તાઓનુ તાકીદે સમારકામ કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક ધોરણે અનાજ, પાણી, ધાસ સહિતની મદદ પુરી પાડવા તાકીદ કરતા જણાવ્યું હતુ કે, અસરગ્રસ્તોને મહત્તમ લાભો ચુકવાય તે માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સ્થાનીક કક્ષાએથી પણ માનવીય અભિગમ દાખવી જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.
આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે જોખમી રસ્તાઓ, પુલ, કોઝ-વે વગેરે પર અક્સ્માતો ન થાય તે માટે જરૂરી સાઇન બોર્ડ મુકવા સુચન કર્યુ હતુ તેમજ મંત્રી તથા સાંસદએ પી.જી.વી.સી.એલ. દ્વારા હાથ ધરવામાં આવેલ ઝડપી તથા શ્રેષ્ઠતમ કામગીરીની પ્રશંસા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા,ડાયરેક્ટર એપીએમસી કાલાવડ, પ્રભારી સચિવ નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસીઅધિક કલેકટર મિતેશ પંડયા, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત, અધિક્ષક ઈજનેર પી.જી.વી.સી.એલ., કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધાકામ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લામાં પૂર બાદની સ્થિતિની સમિક્ષા
અસરગ્રસ્તોને મહત્તમ લાભો ચૂકવાય તે માટે તમામ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા : મંત્રી ઋષિકેશ પટેલ