જામનગર સહિત રાજય અને દેશના લગભગ તમામ શહેરોમાં લગ્નબાહ્ય સંબંધો અનેક પરિવારોના માળા વીંખી રહ્યા છે. દંપતિ પૈકી પૂરૂષ અથવા સ્ત્રીના જીવનમાં કોઇ ત્રીજા પાત્રનું આગમન થવાથી આ પ્રકારના પરિવારોમાં તોફાનો શરૂ થતાં હોય છે. આ પ્રકારની એક એફઆઇઆર જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરણિતા દ્વારા નોંધાવવામાં આવતાં શહેરમાં સનસનાટી મચી ગઇ છે. કારણ કે, આ એફઆઇઆરમાં જામનગરના જાણીતા શો-ઓર્ગેનાઇઝરનું નામ પણ સહઆરોપીમાં છે.
આ બનાવની પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પાયલ મિતુલભાઇ પટેલ નામની પરણિતાએ પોતાના પતિ મિતુલ(રહે.702, સફલ સમીપ, સોબો સેન્ટરની પાછળ, સનસાઉથ પાર્કની બાજુમાં, સાઉથ બોપોલ, અમદાવાદ) ઉપરાંત સસરા અને સાસુ, પ્રમોદભાઇ મોહનભાઇ પટેલ તથા પ્રવિણાબેન પ્રમોદભાઇ પટેલ(રહેે. શ્યામ ગંગા, વિકાસ ગૃહ મેઇન રોડ, જામનગર) વિરૂધ્ધ ગઇકાલે શુક્રવારે સાંજે ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મઘુકર મોહનભાઇ ઓઝાની 40 વર્ષની પુત્રી (604, શિલ્પ એપાર્ટમેન્ટ, ઇન્દિરા રોડ, જામનગર) પાયલએ આઇપીસીની કલમ 498(એ), 323, 504, 506(2), 114 મુજબ પોતાના પતિ ઉપરાંત સસરા અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એ જણાવ્યું છે કે, તેઓના પરણિત જીવન દરમ્યાન પાછલાં 17 વર્ષમાં જાણવા મળ્યું છે કે, પોતાના પતિ મિતુલને અન્ય સ્ત્રીઓ સાથે ગેરકાયદેસરના સંબંધો છે. આ શંકાના આધારે તેણીએ પોતાના પતિને પુછપરછ કરતાં પતિએ પોતાની સાથે ઝઘડો કર્યો હતો અને તેણીના સાસુ સસરાએ નાની-નાની વાતોમાં તથા ઘરકામમાં ફરિયાદીનો વાંક કાઢી માનસિક ત્રાસ આપ્યો છે. આ ઉપરાંત આ પરણીતાન પીયરમાં જવાની પણ સાસરિયાઓએ ના પાડી હતી અને અપશબ્દો બોલી, મારકૂટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલાં કપડે ફરિયાદીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.એવું પાયલ પટેલએ પોલીસમાં જણાવ્યું છે.
આ કેસનો આરોપી પતિ મિતુલ પટેલ અમદાવાદમાં પોસ્ટ ગ્રેજયુએટ છાત્રો માટે હોસ્ટેલનું સંચાલન કરે છે. આ કેસની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એન.જાડેજા ચલાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, શો-ઓર્ગેનાઇઝર પ્રમોદ પટેલ જામનગરમાં દાયકાઓથી જાણીતા છે અને પટેલ કોલોની વિસ્તારમાં રહેણાંક બંગલો તથા ત્રણબતી વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવે છે. તેઓ જામનગરમાં બહોળું મિત્ર-વર્તુળ ધરાવતાં હોય તેઓ વિરૂધ્ધની તેઓની પુત્રવધુની આ કૌટુંબિક કલેશની ફરિયાદ નોંધાતા જામનગર શહેરમાં સનસનાટી મચી ગઇ છે. દાયકાઓથી શો-ઓર્ગેનાઇઝરનો વ્યવસાય કરતાં પ્રમોદ પટેલના પરિવારમાં કુદરતે કોઇ કારણસર કરૂણ શો રચ્યો છે.
જામનગરના જાણીતા શો-ઓર્ગેનાઇઝરના પરિવારમાં કુદરતે રચ્યો કરૂણ શો !
પ્રમોદ પટેલ તથા તેમના પત્ની અને પુત્રને પુત્રવધૂ પોલીસ સ્ટેશનમાં ઘસડી ગઇ : ઓર્ગેનાઇઝરના પુત્ર મિતુલની જીંદગીમાં ‘વોહ’ હોવાની પરણિતાની ફરિયાદથી ચકચાર