ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સત્તાને છોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટનો જ કાર્યકર કહી શકે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબેધતા જણાવ્યું હતુ. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે આયોજિત આ વિકાસલક્ષી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રોટોકોલ તોડીને સૌપ્રથમ પૂર્વ મુખ્યમંત્રીનું સ્વાગત કરવા સૂચના આપી હતી પરંતુ ફરી એક વખત વિજય રૂપાણીએ ‘ખેલદિલી’ની ભાવના સાથે પક્ષમાં વ્યક્તિ કરતા હોદ્દો મહત્વપૂર્ણ હોવાનું સાબીત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે રાજ્યભરમાં ગરીબોના બેલી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર’ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને શહેરના બીએપીએસ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, ‘વિજય રૂપાણીએ ઉત્તમ સરકાર ચલાવી છે. હવે મારે હેડમાસ્તરને બદલે માસ્તરનું કામ કરવાનું છે, વિજયભાઈ મારા પિતા અને વડીલ સમાન છે અને તેમના થકી જ અમે ઉજળા થયાં છીએ. રાજકોટ એવી ભૂમિ છે જ્યાંથી રાજકિય કારકિર્દીની શરૂઆત થાય તો પ્રધાનમંત્રી પણ થવાય અને મુખ્યમંત્રી પણ થવાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હોવાથી પ્રથમ સ્વાગત રાજેન્દ્ર ત્રિવેદીનું થવાનું હતું પરંતુ તેઓએ પ્રોટોકોલ તોડીને વિજયભાઈ રૂપાણીનું પહેલા સ્વાગત કરવા માટે કહ્યું હતું જો કે, રાજકારણની આ રમતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની ફરી એક વખત ‘ખેલદિલી’ની ભાવના ઉજાગર થઈ હતી. રૂપાણીએ જે રીતે ક્ષણનો પણ વિચાર કર્યા વગર સત્તા છોડી તે જ રીતે તેઓએ ઉભા થઈને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવ્યો હતો.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સત્તાને છોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટનો જ કાર્યકર કરી શકે છે. મે રાજીનામું આપ્યું ત્યારે જ કહ્યું કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસની ઉંચાઈ સર કરશે. આજે તેમની સરકારના પ્રથમ દિવસે હું મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું. રાજકોટમાં પાણીની સમસ્યા ક્યારેય નહીં રહે અને વિકાસકામો આગળ ધપતા રહેશે.’


