પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે આજે દેશભરમાં વેક્સીનેશનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે સાંજના 5 વાગ્યા સુધીમાં જ 2 કરોડ લોકોએ વેક્સિન લઇને નવો રેકોર્ડ સર્જ્યો છે. એક દિવસમાં વિશ્વના એકેય દેશમાં વેક્સિનના 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ રસીકરણનો લક્ષ્યાંક રાખ્યો હતો અને હવે આ આંકડો 2.5 કરોડને પાર કરે તેવી શક્યતા છે.
આરોગ્ય મંત્રાલયે રસીકરણને ઝડપી બનાવવા માટે એક ખાસ રણનીતિ તૈયાર કરી હતી. દેશભરમાં 1 લાખથી વધુ કેન્દ્રો પર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિન પોર્ટલ મુજબ, દેશભરમાં કુલ 1,09,686 કેન્દ્રો પર કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં 1,06,327 સરકારી છે જ્યારે 3,359 ખાનગી રસીકરણ કેન્દ્રો છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ મારફતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશમાં બપોર સુધીમાં જ 1કરોડ લોકોએ વેક્સિન લઇ લીધી હતી. મને વિશ્વાસ છે કે આજ સાંજ સુધીમાં આપણે બધા સાથે મળીને વેક્સીનેશનનો એક નવો રેકોર્ડ સર્જી પ્રધાનમંત્રીને ભેંટ સ્વરૂપે આપીશું.