બિહારના મુજફ્ફરપુર જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધ પોતાના પેન્શની રકમ ચેક કરાવા ગયા તો તેના ખાતામાં 52કરોડ રૂપિયા હોવાનું સામે આવતા તેનો આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
મુજફ્ફરપુર જીલ્લામાં રહેતા રામ બહાદુર શાહ પોતાના વૃદ્ધ પેન્શનની રકમ ચેક કરાવવા માટે એસીએસપી સંચાલક પાસે ગયા હતા. જ્યાં રામ બહાદુરના ખાતામાં 52કરોડથી વધુની રકમ હોવાનું સંચાલકે જણાવતા બધા ચોંકી ઉઠ્યા હતા કે આટલી મોટી રકમ આવી ક્યાંથી ? વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓ ખેતી કરીને જીવન પસાર કરે છે. તેના દીકરાએ જણાવ્યું હતું કે મારા પિતાજીના ખાતામાં 52 કરોડથી વધુની રકમ આવી જતા અમે લોકો પણ ચોંકી ઉઠ્યા છીએ. અમે ખેડૂત છીએ, ગરીબ પરિવારમાંથી છીએ અને સરકાર દ્વારા અમને પણ કંઇક મદદ કરવામાં આવે.
આ મામલે કટરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર મનોજ પાંડેએ જણાવ્યું છે કે સ્થાનિક લોકો અને મીડિયાના માધ્યમથી તેઓને જાણકારી મળી છે કે સિંગારીના એક વ્યક્તિના ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવી ગયા છે. જેને લઇને અધિકારીઓ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરીશું.


