જામનગર શહેરના સાંઢીયા પુલ વાળા માર્ગ પરથી બાઈક પર પસાર થતા યુવાનને આંતરીને ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં ઈજાગ્રસ્તના નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતાફાટક પાસેના વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતો રામદેવ દિપકભાઈ ચાવડા નામનો યુવાન સોમવારે બપોરના સમયે તેની બાઈક પર લીલુ લેવા જતો હતો ત્યારે સાંઢીયા પુલ નજીક કનુ વિક્રમ કંડોરિયા, દિનેશ વિક્રમ કંડોરિયા, વિક્રમ કેશુ કંડોરિયા નામના ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો તેમજ છરીના ઘા હાથમાં અને વાંસામાં ઝીંકયા હતાં. ઉપરાંત પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એસ.એમ. સિસોદિયા તથા સ્ટાફે રામદેવના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.