જામનગર જિલ્લાના મોડપર ગામના પાટીયા પાસેથી તેની વાડી તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઇકસવાર યુવાને કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા માથામાં ઈજા પહોંચતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોડિયા તાલુકાના બોડકા ગામના સીમ વિસ્તારમાં ખેતી કામ કરતા સમયે યુવતીને ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં રહેતો સીરદીયાભાઈ ગેમનીયાભાઈ માવડિયા (ઉ.વ.35) નામનો આદિવાસી શ્રમિક યુવાન મંગળવારે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોડપર ગામના પાટીયાથી તેની વાડી એ તેની બાઈક પર જતો હતો તે દરમિયાન માર્ગમાં બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થવાથી બેશુધ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા અનિલ ગીજુભાઈ મકવાણા (ઉ.વ.36) નામના યુવાને બુધવારે સવારના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની વનરાજભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જોડિયા તાલુકાના બોડકા ગામના સીમ વિસ્તારમાં આવેલી જીતેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા મંજુબેન દિલીપભાઈ ભાંભર (ઉ.વ.26) નામની યુવતી ગત તા.24 ઓગસ્ટના રોજ સવારેના સમયે ખેતીકામ કરતી હતી તે દરમિયાન પગમાં સાપ કરડી જતાં ઝેરી અસર થવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પતિ દિલીપ ભાંભર દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.ડી. જરૂ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના મોડપર નજીક બાઈક સ્લીપ થવાથી યુવાનનું મોત
માથામાં ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ જવાથી મૃત્યુ : નાની ભગેડી ગામના યુવાનનો ઝેરી દવા પી આપઘાત : બોડકા ગામમાં સાપ કરડી જતાં યુવતીનું મોત