કાલાવડ તાલુકાના જીવાપર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતા આદિવાસી યુવાનની સાત વર્ષની પુત્રીનું ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જીવાપર ગામના સીમ વિસ્તારમાં શામજીભાઈ પાગડારના ખેતરમાં મજૂરી કામ કરતા રાકેશભાઈ ધાણક નામના આદિવાસી યુવાનની પુત્રી જ્યોતિ (ઉ.વ.7) નામની બાળકી મંગળવારે સાંજના સમયે તેની ઓરડી પાસે રમતી હતી તે દરમિયાન ડાબા હાથની ત્રીજી આંગળીમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં ફીણ આવતા સારવાર માટે કાલાવડના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કાળુભાઇ ધાણક દ્વારા જાણ કરાતા હેકો જી.પી. ગોસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


