જામનગરના વોર્ડ નં.1 ના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા બે માછીમારો સોમવારે માછીમારી માટે નિકળ્યા બાદ મોડીરાત સુધી પરત ન ફરતા વોર્ડ નં.1 ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા કલેકટરને પત્ર લખી વોર્ડ નં.1 ના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા જુનસ જુમ્માભાઇ કકલ તથા હનિફ જુમ્માભાઇ કકલ સવારે રોઝી બંદર સાઈડ માછીમારી માટે નિકળ્યા હતાં પરંતુ, તેઓ મોડીરાત સુધી પરત ફર્યા ન હતાં અને હજુ સુધી તેમનો કોઇ પતો મળ્યો નથી. આથી કોર્પોરેટર દ્વારા તેઓની તાત્કાલિક ધોરણે શોધખોળ માટે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
દરમિયાન બુધવારે વહેલીસવારથી જ કોર્પોરેટર નુરમામદ ત્રણ બોટો અને સ્થાનિક તરવૈયાઓ તેમજ પોલીસ કર્મી હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા સાથે દરિયામાં માછીમાર યુવાનની શોધખોળ માટે કામગીરી હાથ ધરી હતી. પરંતુ, આ કામગીરી દરમિયાન અન્ય યુવાનનો મૃતદેહ સાંપડયો હતો અને લાપતા બન્ને માછીમારોની કોઇ ભાળ મળી ન હતી. સાંપડેલો મૃતદેહ હિન્દુ યુવાનનો હોવાની શકયતા છે. આ અંગે પોલીસમાં જાણ કરી અને પોલીસને મૃતદેહ સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.