નાણાપંચની ગ્રાન્ટમાંથી 12 કરોડના વિકાસ કામોને પંચાયતની સામાન્ય સભામાં મંજૂરી વર્ષ 2020-21ના વાર્ષિક હિસાબને બહાલી : 15માં નાણાં પંચના વિકાસ પ્લાનના ડ્રાફટ પર ચર્ચા વિચારણા
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને પંચાયતની આ વર્ષની ત્રીજી સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં 202-21ના વાર્ષિક હિસાબની તેમજ એપ્રિલથી જૂન 2021ના માસિક હિસાબોને પણ બહાલી આપવામાં આવી હતી. આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પંચાયતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં જિલા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી કરવાના કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરોમાં વિવિધ ઉપકરણોની ખરીદી અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરાંત રેતી, કાંકરીની રોયલ્ટી અંગેના ર021-રરના કામોની મંજુરી આપવામાં આવી હતી. 15માં નાણાં પંચના જિલ્લા વિકાસ પ્લાનના ડ્રાફટ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતની સુપ્રત થયેલાં અધિકારો પંચાયતની જુદી-જુદી સમિતિઓ તથા અધિકારીઓને સુપ્રત કરવા માટે પણ ચર્ચા-વિચારણા બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો.