નવસારી જીલ્લાના બીલીમોરાનો એક વિડીઓ હાલમાં વાયરલ થઇ રહ્યો છે.જેમાંએક કંટ્રોલ પી.સી.આર વાનમાંથી એક યુવક નીચે ઊતરીને જોખમી સ્ટંટ કરી રહ્યો હોય તે દેખાઈ રહ્યું છે. પોલીસવાન સાથેના આ વિડીઓ સાથેના વાયરલ સ્ટંટના પરિણામે પોલીસબેડામાં ફફડાટ વ્યાપ્યો છે.
નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મંદિર પરિસરનો આ વિડીઓ છે. મંદિર પરિસરમાં ઉભેલી એક વાનમાંથી ઉતરી ગૌરાંગ પટેલ નામનો શખ્સ જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ વિડીઓ વાયરલ થયા બાદ સરકારી વાહનનો ઉપયોગ કરી જોખમી સ્ટંટ કરવા બદલ ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. પરંતુ સરકારી વાહન છોડીને બેજવાબદારી ભરી રીતે વાહનને ખુલ્લી મૂકી જનારાં પોલીસ કર્મીઓ સામે પણ સવાલો ઉભા થાય છે.
આ વાયરલ વિડીઓ બાદ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાયો હતો. પોલીસ કર્મીઓ તેમનું વાહન છોડીને ક્યાંક બહાર જતા યુવાને ગેરકાયદેસર રીતે સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જવાબદાર પોલીસ પૈકી પોલીસ વાનના ઇન્ચાર્જ હિરેન પટેલ, ડ્રાઇવર ધર્મેશ પાટીલ અને પોલીસ જવાન પવન ભોયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.