દેશમાં કોરોના સંક્રમણનો પ્રસાર દર્શાવતી આર વેલ્યૂ 1.17ના ખતરનાક સ્તરે પહોંચી ગઇ છે. જે કોરોના મહામારીની ત્રીજીલહેરના સંકેત આપી રહી છે. દેશમાં 14 થી 17 ઓગષ્ટ વચ્ચે આર વેલ્યૂ 0.89 હતી. જે ઓગષ્ટના છેલ્લાં સપ્તાહમાં વધીને 1.17 પર પહોંચી ગઇ છે. કોરોનાની બીજીલહેરમાં તે 1.37 સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ બીજીલહેર ઓછી થતાં જૂન સુધીમાં તે ઘટીને 0.78ના નીચા સ્તરે આવી ગઇ હતી. પરંતુ હવે ફરીથી વધવા લાગેલી આર વેલ્યૂ ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગઇ છે. ઓગષ્ટના છેલ્લાં સપ્તાહમાં કેરળની આર વેલ્યૂ 1.33, મિઝોરમની 1.36, જમ્મુ-કાશ્મિરની 1.25, આંધ્રપ્રદેશની 1.09 અને મહારાષ્ટ્રની આર વેલ્યૂ 1.06 રહી હતી.
શું છે આર વેલ્યૂ ??
રિ પ્રોડકશન વેલ્યૂ જેને આર વેલ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. જે કોરોના સંક્રમણનો પ્રસાર કેટલી ઝડપથી થાય છે તે દર્શાવે છે. કોરોનાની લહેર પીક પર પહોંચે છે ત્યારે વાયરસ અત્યંત ઝડપથી પ્રસરે છે. પરંતુ જ્યારે લહેર ઘટી રહી હોય ત્યારે આર વેલ્યૂમાં થતો વધારો એ વાતનો સંકેત આપે છે કે વેવ ફરી જોર પકડી રહી છે. જો આર વેલ્યૂ 1.0થી વધારે હોય તો સમજવું કે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને કોરોનાનો વાયરસ ઝડપભેર લોકોને સંક્રમિત કરવા લાગ્યો છે. ત્યારે દેશમાં 1.17ની આર વેલ્યૂને ચિંતાજનક અને ખતરનાક માનવમાં આવે છે.