જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જૈન ધર્મના પર્યૂષણ મહાપર્વનો પ્રારંભ થયો હતો. જેમાં મૂર્તિપૂજક સંઘના પર્યૂષણ શુક્રવારથી અને આજથી સ્થાનકવાસી સંઘના પર્યૂષણ શરૂ થયા છે. જામનગર શહેરના જિનાલયોમાં શુક્રવારે ભગવાનની આંગીના વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા તેમજ ભગવાનની આંગીના દર્શન માટે જૈન શ્રાવક-શ્રાવિકાઓએ આ દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. જામનગરમાં ચાંદીબજારમાં આવેલ શેઠજી દહેરાસમાં જામનગર વિક્રમભાઇ એન્ડ પાર્ટી દ્વારા ભાવના પર્યૂષણ પર્વ દરમિયાન દરરોજ ભણાવવામાં આવશે તેમજ પટેલ કોલોની, પેલેસ દેરાસર, લાલ બંગલા નજીક આવેલા સમેતશિખરજી દેરાસર, ઓશવાળ કોલોની, સાધના કોલોની વિગેરે વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયોમાં વ્યાખ્યાન સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. શહેરના દેરાસરોને ઉપાશ્રયોમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. આ પર્યુષણ દરમિયાન મહાવીર ભગવાન જન્મ દિવસ અંતર્ગત જિનાલયો અને ઉપાશ્રયોમાં ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીમાં મહાવીર ભગવાનના માતા ત્રિશલા દેવીને આવેલા 14 સ્વપ્નની ઉછામણી બોલી ઉજવણી કરવામાં આવશે.