જામનગરના પાર્ક કોલોનીમાં રહેતા બે સગા વેપારીભાઈઓ એ વ્યવસાય માટે અમદાવાદની મહીલા સાથે વ્યવસાય એમઓયુ કર્યુ હતું અને વ્યવસાયમાં આપેલ પૈસા પરત ચુકવવા માટે મહીલા દ્વારા બન્ને ભાઈઓને રૂા.31,50,000 તથા રૂા.33,50,000 ના એમ કુલ રૂા.65 લાખના ચેકો રીટર્ન થતા બંન્ને ભાઈઓ એ જામનગરની કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં જામનગરની અદાલતે મહીલા આરોપીને તકસીરવાન ઠેરવી અને છ માસની સજા તથા વળતરનો હુકમ કર્યો હતો.
આ કેસની વીગત એવી છે કે, જામનગરના પાર્ક કોલોનીમાં રહેતા સર્વેસ અને પ્રતીક સુભકરણ સાધી દ્વારા અમદાવાદમાં રહેતી માલીની ચંદર કીમ્પલ્લીની કામધેનું સેવાશ્રમ નામની ફર્મમાં રોકાણ કરેલ હતું જે રોકાણ પૈકીની રકમ પરત આપવા માટે માલીનીએ વેપારી ભાઈઓને રૂા.31,50,000 તથા રૂા.33,50,000ના અમદાવાદની કોર્પોરેશન બેન્કના આપેલા ચેકો બેન્કમાંથી પરત ફરતા વેપારી ભાઈઓએ તેમના વકીલ દ્વારા રૂા.65 લાખની રકમ આપવા માટે નોટીસ આપેલ હતી તેમ છતા માલીની રૂા.65 લાખ પરત આપેલ નહી તેથી વેપારી ભાઈઓએ જામનગરની ચીફ જયેડીશ્યલ મેજીની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ નોંધાવેલી હતી.
આ કેસ ચાલી જતા ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ રજુઆતો, દલીલો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ હતા. જે દલીલો તથા ચુકાદાઓ તેમજ કેસની તમામ બાબતો ધ્યાને લઈ અને જામનગરના એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ બી.કે.જાદવ દ્વારા આરોપી માલીની કીમ્પલ્લીને બંન્ને કેસોમાં તકસીરવાન ઠેરવી અને છ માસની સજા તથા વળતરનો હુકમ કર્યો હતો. આ કેસમાં બંન્ને ફરીયાદી ભાઈઓના વકીલ તરીકે અશોક એચ. જોશી રોકાયેલા હતા.
જામનગરના વેપારી દ્વારા ચેક રિટર્નની બે ફરિયાદમાં અમદાવાદની મહિલાને સજા
વેપારી ભાઈઓ દ્વારા 65 લાખના ચેક રિટર્નની અદાલતમાં ફરિયાદ : વેપારીના વકીલની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રખાઇ


