જામનગર શહેરમાં છેલ્લાં 12 દિવસથી કેન્દ્ર સરકારના આયુષ્યમાન કાર્ડની કામગીરી સર્વરના ક્ષતિના કારણે ઠપ્પ થયેલી છે. જેના કારણે આ કાર્ડ કઢાવવા માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ‘ઘોર બેદરકારી’નો ભોગ લોકોએ બનવું પડે છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા આયુષ્યમાન કાર્ડની કામગીરી જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની બેદરકારની કારણે છેલ્લાં 12 દિવસથી ઠપ્પ થયેલી છે. શહેરના ટાઉન હોલ, શરૂ સેકશન રોડ સહિતના સેન્ટરોમાં આ કામગીરીમાં લીંક ન મળવાથી અને સર્વર ડાઉનના પ્રોબ્લેમને લીધે કાર્ડ કાઢવા માટે આવેલા શહેરીજનોને ધક્કા ખાવા પડે છે. સર્વર માત્ર એક કલાક જ ચાલુ રહે છે અને ત્યારબાદ બંધ થઈ જાય છે.
આ પહેલાં ગુજરાત સરકારના કાર્યક્રમ હેઠળ ‘માં અમૃતમ કાર્ડ’ સહિતના કાર્ડની કામગીરી ચાલુ હતી પરંતુ, હવે કેન્દ્ર સરકારની યોજનાના સોફટવેરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે ટેકનિકલ ક્ષતિના કારણે છેલ્લાં ઘણાં દિવસોથી ઠપ્પ થયેલી હોવાથી ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ કઢાવવા આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી કામગીરીના કારણે લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.