જામનગરના ધુંવાવનાકા વિસ્તારમાં રહેતા યુવાનને જૂની અદાવતનું સમાધાન કરવા માટે મોરકંડા ગામે બોલાવ્યા પછી ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં વેલનાથ નગર વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો દિપક ભોજાભાઇ નકુમ (ઉ.વ.28) નામનો યુવાન થોડા દિવસ પહેલા વિજય નામના યુવાન સાથે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીનું સમાધાન કરવા માટે વિજયના મિત્રો મુન્નો કોળી વગેરેએ મોબાઈલ ફોન કરીને મોરકંડા પાસે બોલાવ્યો હતો. જેથી દિપક મોરકંડા વિસ્તારમાં સમાધાન માટે ગયો હતો. દરમિયાન મુન્ના કોળી અને તેની સાથેના ત્રણ શખ્સોએ સમાધાન કરવાના બદલે છરી અને લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરી દેતાં દીપકને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણના આધારે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે તેમજ જી જી હોસ્પિટલે દોડી ગયો હતો અને દીપક નકુમની ફરિયાદના આધારે મુન્નો કોળી અને તેના અન્ય ત્રણ સાગરિતો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતી.