જામજોધપુર તાલુકાના નંદાણા ડેરી આંબરડી રોડ પર આવેલા એક કોઝ-વે પરથી વહેતા પાણીમાં કાર પસાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઈશ્વરીયા ગામના તલાટી મંત્રી રૂપેશભાઇની કાર ફસાઇ ગઇ હતી અને કોઝ-વે પરથી તણાઇને નીચે સરકી પડી હતી. આ બનાવની જાણ થતાં મામલતદાર પંચાયતના સ્ટાફ સાથે તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઉપરાંત ડેરીઆંબરડીના સરપંચ અરવિંદભાઇ તથા પબાભાઇ પિપરોતર, રમેશભાઇ, પ્રવિણભાઇ, હસમુખભાઇ, ખીમાભાઇ વગેરે આગેવાનો પણ દોડી ગયા હતાં અને તાકિદે બચાવકાર્ય હાથ ધરી દોરડા વડે બાંધીને નદીના ધસમસતા પાણીમાંથી તલાટી મંત્રીને બહાર કાઢયા હતાં. આમ બે કલાકની જહેમત બાદ તલાટીનો આબાદ બચાવ થયો હતો.