જામનગર તાલુકાના ચેલા ગામના જૂના સર્વે નંબરમાં આવેલી યુવાનની સંયુકત માલિકીની વારસાઈની ખેતીની જમીનમાં ત્રણ શખ્સોએ દોઢ વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવી પાણીનો બોર કરી, ઓરડી બનાવી, વીજ કનેકશન પણ મેળવી લીધુ હતું અને આ જમીન ખાલી કરવા યુવાને જણાવતા ત્રણ શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામના જૂના સર્વે નંબર 678 અને નવા સર્વે નંબર 556 માં આવેલી 0-26-52 હે.આરે.ચો.મી. વાળી યોગેન્દ્રસિંહ ભાવસિંહ કેર નામના યુવાનની સંયુકત માલિકીની વારસાઈ જમીન આવેલી છે. આ જમીનમાં ચેલા ગામમાં હેમતસિંહ માનસંગ કેર, કિશોરસિંહ હેમંતસિંહ કેર, પૃથ્વીરાજસિંહ હેમતસિંહ કેર નામના ત્રણ શખ્સોએ દોઢ વર્ષથી કબ્જો જમાવી લીધો હતો અને આ જમીન પચાવી પાડી તેમાં પાણી માટેનો બોર બનાવ્યો હતો. તથા બેલાની ઓરડી પણ બનાવી લીધી હતી. ઉપરાંત ગેરકાયદેસર વીજકનેકશન પણ મેળવી લીધું હતું. વારસાઇ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરાતા યોગેન્દ્રસિંહ જમીન ખાલી કરાવવા ગયા ત્યારે ત્રણેય શખ્સોએ જમીન ખાલી કરવાની ના પાડી અપશબ્દો કહ્યા હતાં અને ફડાકા મારી ‘તુ કે તારા દદા જેસંગજી કોઇપણ વારસદાર આ જમીનમાં પગ મુકશો તો જીવતા રહેશો નહીં’ તેવી ધમકી આપી હતી.
દરમિયાન યોગેન્દ્રસિંહએ તેની સંયુકત વારસાઈ જમીન પચાવી પાડવાની ત્રણ શખ્સો વિરુધ્ધની અરજી જિલ્લા કલેકટરમાં આપી હતી. જે સંદર્ભે કલેકટરે આ મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.