દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ છેલ્લા 24કલાક દરમિયાન નોંધાયેલા આંકડાઓ ચિંતાજનક છે. ભારતમાં આજે કોરોનાના 40,164 કેસ નોંધાયા છે. જે ગઈકાલે નોંધાયેલા કેસ કરતાં 10હજારથી પણ વધુ છે. તો એક દિવસમાં 34159 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. અને 607 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ મૃતકઆંક 436365 થયો છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3,25,58,530 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 4,36,365 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,159 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,17,88,440 દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. સક્રિય કેસોની સંખ્યા 3,33,725 છે. રિકવરી રેટ વધીને 97.67 ટકા થયો છે.
એક તરફ દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત ઘટી રહ્યા હતા ત્યાં એકલા કેરળ રાજ્યમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 31,445 કેસ નોંધાયા છે. અને 215 લોકોના મોત થયા છે. કેરળમાં એક દિવસમાં 20,271 લોકો રીકવર થયા છે. હાલમાં રાજ્યમાં પોઝિટીવીટી રેટ 19.03% છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને દૈનિક એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો માટે હવે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે માત્ર 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા હતા. ત્યારે હવે ગુજરાતમાં 14 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 14 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે 9 જિલ્લા એવા છે, જ્યાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તો ગુજરાતમાં અત્યારે કુલ 159 જ એક્ટિવ કેસ છે. ગઈકાલે રાજ્યમાં માત્ર 17કેસ જ નોંધાયા હતા.