જામનગર શહેરના નાગનાથ ગેઇટ વિસ્તારમાં યુવાન ઉપર સાત શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ તથા લાકડાંના ધોકા વડે આડેધડ મારમારી નીવલેણ હુમલો કરાયાના બનાવવામાં પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વાધેરવાડા વિસ્તારમાં વાધેર જમાત ખાના પાછળ રહેતાં સાજિદ મહમદ હુસેન મકવાણા નામનો યુવાન સોમવારે રાત્રીના સમયે નાગનાથ ગેઇટ સર્કલ પાસે હતો તે દરમ્યાન મહમદ મુસા, અમિન મુસા, લાલો મનસુખ, કિશન મનસુખ, વિજય ઉર્ફે ભૂરી, રોહિત અને ઇકબાલ સિદિક દલ સહિતના સાત શખ્સોએ સાજિદને આંતરીને તેના ઉપર લોખંડના પાઇપ, લાકડાંના ધોકા અને તલવાર જેવા હથિયારો વડે આડેધડ ધા ઝિંકી જીવલેણ હુમલો કરતાં સાજીદના બન્ને હાથ અને પગ તથા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. સશસ્ત્ર કરાયેલાં હુમલામાં લોહી લુહાણ થયેલાં સાજીદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં આ બનાવની જાણ થતાં પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તના ભાઇ અસગર મકવાણાના નિવેદનના આધારે સાત શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં યુવાન ઉપર સાત શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો
તલવાર-પાઇપ-ધોકાના આડેધડ ધા ઝિંકયા : હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુન્હો નોંધાયો