જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી જાહેર માર્ગો પર અબોલ પશુઓનો ત્રાસ અવિરત રહ્યો છે. તેમજ હાલમાં શહેરના રણજીત રોડ પરના વિસ્તારમાં એક અબોલ પશુએ મહિલા ઉપર હુમલો કર્યાની ઘટનાએ લોકોમાં ભયની સાથે રોષ ફેલાઈ ગયો છે. શહેરની આ ગંભીર સમસ્યા માટે અનેક સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સમસ્યાના નિરાકરણ માટે 30 જેટલા રોજમદારોને રોડ પરના અબોલ પશુઓને કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠા હોય છે અને શહેરના દરેક માર્ગ પર આ સમસ્યા વર્ષોથી યથાવત જ રહી છે. જાહેર માર્ગ પર રહેલા અબોલ પશુઓને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને લોકોના ભોગ પણ લેવાય છે. ઉપરાંત આ અડીંગાને કારણે શહેરની ટ્રાફિક સમસ્યા પણ વકરતી જાય છે. વર્ષોથી રહેલી સમસ્યાના નિરાકરણ માટે કોઇ ચોકકસ આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી. જેના કારણે આ સમસ્યા અવિરત રહેતા હાલમાં જ જામનગર શહેરના રણજીત રોડ પરના વિસ્તારમાં એક ખૂંટીયાએ મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચી હતી. હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજો વાયરલ થતા ગંભીર હુમલાના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
મહિલા ઉપર થયેલા હુમલા બાદ મહાનગરપાલિકા ઉપર લોકોનો આક્રોશ વધી ગયો હતો. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આ મામલે 30 જેટલા રોજમદારોને શહેરના રાજમાર્ગો ઉપર અડીંગો જમાવી બેઠેલા અબોલ પશુઓને હટાવવાની કામગીરી સોંપવામાં આવી છે અને આ મામલે મ્યુ. કમિશનર વિજય ખરાડી દ્વારા જાહેર માર્ગો પર રહેતા અબોલ પશુઓના માલિકો સામે કડક કાર્યવાહી કરવાનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી અબોલ પશુઓને માર્ગો પરથી હટાવવાની કામગીરી કેટલો સમય ચાલે છે ? અને કેવી અસરકારક રહે છે ?