જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજિત 500 જેટલા કલાત્મક તાજીયાઓ મુસ્લિમ બિરાદરોએ બનાવ્યા છે. ચાંદીના તાજીયા સહિતના તમામ તાજીયા સતત બીજા વર્ષે ફર્યા નથી. કોરોનાની સરકારની ગાઇડલાઇનના કારણે તાજીયાઓને પોત પોતાના માતમમાં રાખવામાં આવ્યા હતા. ગઇકાલે તાજીયા પડમાં આવ્યા બાદ આજે આશુરાની રાત્રે તાજીયાને ટાઢા કરવામાં આવશે. છેલ્લા દસેક દિવસથી મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે અને દિવસ-રાત એક કરી તાજીયા બનાવવામાં આવ્યા હતાં.
જામનગરમાં કરબલાની પવિત્રતમ બેજોડ કુરબાનીને યાદ કરી માતમના પર્વ મોહરમ નિમિત્તે ગઇકાલે રાત્રે શહિદોની યાદમાં બનાવેલા તાજીયા પડમાં આવ્યા હતાં. આજે આશુરાનો દિવસ છે. સાથે જ આજે શુક્રવાર જુમ્માનો દિવસ પણ હોય, આજના દિવસનું મહત્વ અનેક ગણુ વધી ગયું છે.વર્ષો પૂર્વે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુશેનના 72 સાથીઓ ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહ્યાં બાદ શહીદી વ્હોરી હતી. જામનગર પોલીસ દ્વારા મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.