આખરે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદથી વરસાદથી આ વિસ્તારની ખેતીને નવજીવન મળ્યું છે. જો કે, સૌરાષ્ટ્રમાં હજુ સચરાચર વરસાદની રાહ જોવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ર થી 9 ઇંચ જેવો ભારે વરસાદ ખાબકયો છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 196 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લામાં સૌથી વધુ વરસાદનોંધાયો હતો.
ગુરૂવારે વલસાડના પારડીમાં 6 ઇંચ, વલસાડ સિટીમાં 4.88 ઇં ચ જ્યારે સાપુતારામાં 4 ઇં ચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લાં 36 કલાકમાં વલસાડના પારડીમાં 9 ઇંચ અને વાપીમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મોડી સાંજે સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવતાં માત્ર દોઢથી બે કલાકમાં જ અમરેલી તાલુકામાં 3 ઇંચ અને અમરેલીના લીલીયા તાલુકામાં સાડા ત્રણ ઇં ચ જેટલો વરસાદ વરસ્યો હતો.ભરૂચ અને અંકલેશ્વરમાં બપોરે બે કલાકમાં પોણા બે ઇં ચ વરસાદ પડયો હતો. આ ઉપરાત દાહોદ શહેરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં હિલસ્ટેશન જેવો માહોલ છવાઇ ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન વલસાડના પારડીમાં 6 ઇંચ, વલસાડમાં 4.88 ઇંચ, વાપીમાં 4.72 ઇંચ, ધરમપુરમાં 3.88 ઇંચ, કપરાડામાં 2.36 ઇંચ અને ઉમરગામ તાલુકામાં 2.52 ઇંચ વરસાદ પડયો હતો. આ સિવાય સુરતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં 2 ઇંચ નોંધાયો હતો. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અંબિકા, ઓલણ, કાવેરી, પૂર્ણા અને મીંઢોળા સહિતની નદીઓ બે કાંઠે વહી હતી. તેવી જ રીતે નવસારી ખેરગામમાં 3.92 ઇં ચ, વાંસદામાં 3.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી હતી.
સૌરાષ્ટ્રભરમાં આજે અમરેલી પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે અને 1થી 3 ઇંચ વરસાદ પડયો હતો. લીલિયામાં 3 ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો હતો. બાબરામાં 1 ઇંચ, લાઠીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગઢડા શહેરમાં સાંજે 6 વાગ્યા સુધી ધીમીધારે 23 મી.મી. વરસાદ નોંધાયો હતો. ગુરુવારે બપોરે સુરતમાં ધુમ્મસની ચાદર છવાઇ હતી. બુધવાર બાદ ગુરુવારે પણ દક્ષિણ ગુજરાતમાં આખો દિવસ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે અને સુરત, નવસારી, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.


