વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી છે અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા છે. સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. આસ્થાને આતંકથી કચડી શકાતું નથી.
મોદીએ જણાવ્યું હતું કે, હું ભલે વીડિયો કોન્ફરન્સથી જોડાયો હોવ પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથના ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારુ સૌભાગ્ય છેકે આ પૂણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણોમા નમન કરતા હું કહું છું કે ભારતના પ્રાચિન ગૌરવને પુનર્જિવિત કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી હતી. સરદારે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડી હતી.
પર્યટનથી આધુનિકતાના સંગમથી શું ફાયદો થાય છે એને ગુજરાતએ નજીકથી નિહાળી અનુભવ્યું છે. હવે સોમનાથમાં મહાદેવના દર્શન સાથે આજના ત્રણ વિકાસકામો થકી સમુદ્ર દર્શન પથ (વોક વે) અને સોમનાથના ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરી શકશે. સોમનાથ મ્યુઝિયમ થકી આવનારી પેઢીને ઇતિહાસથી અવગત કરાવાશે.
શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે અને સમય મુજબ આવતી પરિસ્થિતિને લડવાની હિંમત પણ શિવ જ આપે છે. સોમનાથ મંદિર હજારો વર્ષોથી પ્રેરણા આપી રહ્યું છે. આસ્થાને આંતકથી કચડી શકાતું નથી તેનું પ્રતીક સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિરને નેસ્ટ નાબૂદ કરવા અનેકવાર હુમલાઓ થયા છે તેમ છતાં દર વખતે સોમનાથ મંદિર ફરી ઉભું થયું છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે, 2010થી વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજીટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જોવે છે. ભીખુભાઈ નામના દાતાના સહયોગથી 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1783માં બનેલા મંદિરનું આજે જીર્ણોદ્ધાર કરાયો છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે રીતે ટ્રસ્ટ આગળ વધશે. અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઉભરી આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે વડાપ્રધાને જે ઉચ્ચ લક્ષ્ય રાખ્યા છે, તેને પૂર્ણ કરવા આપણે બધા કટિબદ્ધ છીએ. 2010થી નરેન્દ્ર મોદીની નિયુક્તિ બાદ તેમણે સોમનાથના વિકાસને નવી દિશા અને દ્રષ્ટિ આપી છે. ડિજીટલ દર્શનમાં પણ સોમનાથ આગળ છે.સોમનાથના વિકાસમાં ગુજરાત સદાય સહયોગ કરશે. કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી સોમનાથ મંદિર ખાતે 50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ત્રણ વિકાસકામનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું છે. જેમાં સમુદ્ર દર્શન વોક-વે, સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર અને જૂના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ પાર્વતી માતાના મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી શીશ ઝુકાવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ સાનિધ્યે વિકાસકામોનું લોકાર્પણ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. રાજ્યના પ્રવાસનમંત્રી જવાહર ચાવડાએ મુખ્યમંત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીએ ધ્વજપૂજા કરી હતી.
આસ્થાને આતંકથી કચડી શકાતી નથી : પ્રધાનમંત્રી
સોમનાથને ભવ્ય બનાવતા વિકાસકામોનું લોકાર્પણ : ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં જોડાયા