દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારાના અને સંવેદનશીલ ગણાતા સલાયા પંથકમાં ગતરાત્રે તાજીયા કાઢવા બાબતે સ્થાનિક રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ વાહનમાં તોડફોડ કરી, વ્યાપક નુકસાની કરી હતી. મોડીરાત્રીના સર્જાયેલા આ દંગલ બાદ પોલીસના ધાડા નાના એવા સલાયા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ સલાયામાં ઉજવાતા મોહરમના તહેવારો દરમિયાન ગઈકાલે રાત્રે તાજિયાઓ પડમાં આવ્યા હતા. હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ અને તાજીયાના જુલુસ પર પ્રતિબંધ હોવા વચ્ચે કેટલાક શહેરોમાં મંજૂરી મળી હોવાની અફવા પ્રસરી હતી. જે સંદર્ભે સલાયાના પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા સ્થાનિક રહીશો તથા આગેવાનો સાથે બેઠક તથા ચર્ચા-વિચારણા બાદ આ વાત ખોટી હોવાની બાબત જણાવી, કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી.
આ પછી ગઈકાલે ગુરૂવારે રાત્રે સલાયાના હુસેની ચોક વિસ્તારમાં તાજીયા સ્થળે કોવિડ પ્રોટોકોલનો ભંગ થતો હોવાથી પોલીસ દ્વારા આ સ્થળે લોકોને આ મુદ્દે સમજાવવા જતા લોકો ઉગ્ર બની ગયા હતા. રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે આ સ્થળે ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસના બોલેરોને પલટાવી, આ વાહન ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહિ નારાઓ લગાવી, પથ્થરોના બેફામ ઘા પણ થયા હતા.
આ બનાવ બનતા સલાયા પોલીસ મથકના પી.આઈ. ઝાલા સાથે સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો અને આ સમગ્ર બાબતની જાણ કરાતા અહીંના જિલ્લા પોલીસવડા સુનિલ જોશી, ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડા, ખંભાળિયાના પીઆઈ વી.વી. વાગડિયા સહિત વિશાળ કાફલો સલાયા પહોંચી ગયો હતો. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં જમાદાર વિરેન્દ્રસિંહ તથા અનેક જી.આર.ડી.ના જવાનને ગંભીર ઇજાઓ થતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ જી.આર.ડી.ના જવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવના અનુસંધાને ધારાસભ્ય વિક્રમ માડમ સલાયા દોડી ગયા હતા. આ બનાવ બનતાં વિફરેલા ટોળાને કાબુમાં કરવા પોલીસ દ્વારા ચાર રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ડહોળાયેલા આ માહોલને કાબુમાં લેવા જિલ્લા ભરની પોલીસના ધાડાને સલાયામાં ઉતારી દેવામાં આવ્યા હતા અને મધરાત્રિના સમયે ધર્મસ્થળોમાં એલાન કરી અને લોકોને શાંતિ જાળવવા તથા કાયદો હાથમાં ન લેવા અપીલ કરાયા બાદ માહોલ શાંત થયો હતો.
આ તકરારમાં છ જેટલા બાઈકને પણ તોફાની તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે બે બાઇક જે- તે સ્થળેથી ગુમ થયાની પણ વાત સામે આવે છે. આ પથ્થર બાજીમાં સલાયાના પી.આઈ. ઝાલા તથા ખંભાળિયાના પી.આઈ. વી.વી. વાગડિયાને પણ સામાન્ય ઈજા થવા પામી હતી.
વર્ષો અગાઉ દાણચોરી માટે કુખ્યાત બનેલા સલાયા પંથકમાં પોલીસ સાથે તકરાર કરી, દંગલના આ સંભવિત પ્રથમ બનાવ બાદ દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત સલાયા ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો. અને આજે સવારે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ શુક્રવારે ખંભાળિયામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો એક જાહેર કાર્યક્રમ યોજાયો છે. તે પૂર્વે ગત સાંજે તેમનું દ્વારકા ખાતે આગમન થયું છે. ત્યારે નજીકના એવા સલાયા ખાતે બનેલા પોલીસ પરના હુમલાના બનાવે ભારે ચકચાર સાથે પોલીસ તંત્ર પણ દોડધામ પ્રસરાવી છે. આ વચ્ચે આજે સવારે પરિસ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે. અને વેપારીઓ પોતાની દુકાનો ખોલે તથા જનજીવન રાબેતા મુજબ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.