ભારતમાં વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના પદને મહિલાઓએ સુશોભિત કરેલા છે. ત્યારે હવે ભારતને પહેલા મહિલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા મળવાની આશા પણ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જે 9 જજોની નિયુક્તિ માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી છે તેમાં 3 મહિલાઓના નામ પણ સામેલ છે. જોકે, પહેલા મહિલા ચીફ જસ્ટિસ માટે ભારતે 2027 સુધી રાહ જોવી પડશે.
પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ નવેમ્બર 2019માં સેવાનિવૃત્ત થયા ત્યારથી કોલેજિયમે કેન્દ્ર સરકારને નિયુક્તિ માટે એક પણ નામની ભલામણ નહોતી મોકલી. ન્યાયમૂર્તિ નરીમન 12 ઓગષ્ટના રોજ બહાર થયા ત્યારથી સુપ્રીમ કોર્ટમાં 9 જજોની જગ્યા ખાલી હતી. પરંતુ આજે એટલે કે 18 ઓગષ્ટના રોજ ન્યાયમૂર્તિ નવીન સિન્હા પણ સેવાનિવૃત્ત થઈ જશે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં 10 લોકોની જગ્યા ખાલી થશે. કેન્દ્ર સરકારને નિયુક્તિ માટે કોલેજિયમે જે નામ મોકલ્યા છે તેમાં કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાનું નામ પણ સામેલ છે જે પદોન્નત થઈને દેશના પહેલા મહિલા સીજેઆઈ બની શકે છે. તે સિવાય કોલેજિયમે તેલંગાણા હાઈકોર્ટના હિમા કોહલી અને ગુજરાત હાઈકોર્ટના બેલા ત્રિવેદીના નામની ભલામણ કરી છે.