જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં પ્રૌઢાને દસ વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના મચ્છનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની ચર્ચા વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં દરજી વાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન જગદીશભાઈ રાઠોડ (ઉ.વ.52) નામના પ્રૌઢાને છેલ્લાં 10 વર્ષથી માનસિક બીમારી હતી અને તેઓ એકલવાયુ જીવન જીવતા હતાં. આ જિંદગીથી કંટાળીને ગત તા.12 ના સવારના સમયે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રવિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુનિલ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં મચ્છનગરમાં આવેલા સિવણકલાસની બાજુમાં રહેતા પ્રભુદાસ બચુભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.60) નામના વૃદ્ધને અગાઉ પેરેલિસીસનો એટેક આવી ગયો હતો અને બ્લડપ્રેશરની બીમારી પણ હતી તે દરમિયાન રવિવારે સાંજના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની બટુકભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.બી.ઝાલા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાખાબાવળ ગામમાં બીમારી સબબ કંટાળી પ્રૌઢાએ એસિડ ગટગટાવ્યું
સારવાર દરમિયાન મોત : જામનગરમાં હૃદયરોગના હુમલાથી વૃધ્ધનું મૃત્યુ