આવકવેરા વિભાગે બુધવારે કહ્યું હતું કે 2020-21ના નાણાકીય વર્ષનું આવકવેરાનું રિટર્ન ભરતી વખતે સોફ્ટવેરની ખામીના કારણે જે કરદાતાઓને વધારાનું વ્યાજ અને લેઇટ-ફીની જે રકમ ચૂકવવી પડી હતી તે તેઓને પરત કરવામાં આવશે. ગત નાણાંકીય વર્ષનું આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી પરંતુ કરદાતાઓને કોવિડની મહામારીમાં રાહત આપવાના આશયથી વિભાગે આ છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરી હતી. જો કે કેટલાંક કરદાતાઓએ એવી ફરિયાદ કરી હતી કે 31 જુલાઇ બાદ તેઓએ રિટર્ન ભર્યું તો તેમની પાસેથી વધારાનું વ્યાજ અને લેઇટ-ફીની રકમ વસુલ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે સોફ્ટવેરમાં સર્જાયેલી ખામીને 1 ઓગસ્ટના રોજ દૂર કરવામાં આવી હતી.
આ ખામીના કારણે જ કરદાતાઓને વધારાનું વ્યાજ અને લેઇટ ફી ભરવાની ફરજ પડી હતી. તમામ કરદાતાઓને સુધારેલી લેટેસ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની અથવા તો તેઓનું રિટર્ન ઓનલાઇન ભરવાની સલાહ આપવામાં આવે છે એમ વિભાગે અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું.