કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં મકાન પાડતોડનું કામ કરતા સમયે વૃધ્ધ ઉપર ત્રણ શખ્સોએ આવીને અપશબ્દો બોલી ઈંટોના છૂટા ઘા મારી અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં નંદીગ્રામ ચોકમાં આવેલા અશોકસિંહ જાડેજાનું મકાન તોડી પાડવા માટે કાનજી ઉર્ફે કાના પાલા સોમૈયા નામના વૃધ્ધએ મજૂરીકામ રાખ્યું હતું અને બુધવારે સવારે કાનજીભાઈ મકાન તોડતા હતાં તે દરમિયાન નિકાવા ગામના જ વાલદાસ હરજીવનદાસ, જીતેન્દ્ર વાલદાસ, નિલેશ વાલદાસ નામના ત્રણ શખ્સોએ સ્થળ પર આવીને વૃધ્ધ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ વાલદાસ હરજીવનદાસ એ ઈંટનો છૂટો ઘા મારી વૃધ્ધને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. બાદમાં ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં આ અંગેની જાણ કરતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે કાનજીભાઈના નિવેદનના આધારે વૃધ્ધ અને તેના બે પુત્રો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.