ધ્રોલ હોસ્પિટલ પાસેના રાજકોટ રોડ પર પાણાખાણ વિસ્તારમાં સરકારી જમીનમાં પેશકદમી કરીને દુકાનોનું બાંધકામ ગેરકાયદેસર રીતે ચાલી રહેલ હોઇ આ બાબતે ભાજપા શાસિત નગરપાલિકાના ભાજપાના જ બે મહિલા સદસ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરીને આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અને જગ્યા ખુલ્લી કરાવવા લેખિત માંગણી કરેલ છે.
પાણાખાણમાં આવેલી દુકાનો ઉપર બીજા માળનું બાંધકામ કરવાની મંજૂરી લઇને બાંધકામની સાથે સાથે દુકાનની પાછળ આવેલ પાણાખાણની સહકારી જમીન ઉપર પણ બાંધકામ કરવામાં આવતા આ પ્રશ્ર્ને શહેરમાં નગરપાલિકાની વરવી ભૂમિકા અંગે અનેક અટકળો શરૂ થયેલ છે.
ધ્રોલ શહેરના વોર્ડ નં.5 માં રાજકોટ રોડ પર આવેલ સીટી સર્વે નં.3910 વાળી જમીનમાં બાંધકામના પ્રશ્ર્ને નગરપાલિકા તરફથી આ બાંધકામ કરતા વિપુલભાઈ ભગવાનજીભાઈ સંતોકી તથા જગદીશ પરસોતમ સાપોવડિયાને બાંધકામ અંગે મંજૂરી લીધેલ છે તેના કરતા જો વધારે બાંધકામ કરવામાં આવેલ હોય તો તે ઝડપથી દૂર કરવું અન્યથા વધારાનું બાંધકામ નગરપાલિકાના ખર્ચે દૂર કરવામાં આવશે તેવી નોટિસો આજથી વિસેક દિવસથી આપવામાં આવેલ છે. તેમ છતાં હજુ સુધી પાલિકા તરફથી કોઇ જ પગલાં લેવામાં આવેલ નથી. તેમજ બાંધકામ બેરોકટોક ચાલી રહેલ છે.
ધ્રોલની આ પાણાખાણની સરકારી જમીનમાં હાલમાં બે દુકાનોનું બાંધકામ ચાલી રહેલ છે. જ્યારે આ જ પાણાખાણની સરકારી જમીનમાં 7 થી 8 દુકાનોના માલિકોએ પણ ગેરકાદયેસર બાંધકામ કરીને લાખો રૂા.ની જમીનો પચાવી પાડેલ છે અને આ અંગે નગરપાલિકાના આગેવાનો અને અધિકારીઓ વચ્ચેના વ્યવહાર દ્વારા આ ગેરકાયદેસરની પ્રવૃતિઓ ચાલી રહેલ છે.
ધ્રોલ શહેરમાં આ રીતે કરવામાં આવેલા બાંધકામો દરમિયાન નગરપાલિકાની અથવા સરકારી જમીનો ઉપર બાંધકામો કરવામાં આવેલ છે તેમજ રજૂ કરેલા પ્લાન એસ્ટીમેન્ટને બદલે બાંધકામોના તમામ નિયમોને નેવે મુકીને બાંધકામો કરવામાં આવેલ છે અને આવા બાંધકામો કોન્ટ્રાકટરો દ્વારા પાલિકાના આગેવાનો અને અધિકારીઓ પાસે મંજૂર કરાવી લઇને વહીવટ ચલાવી રહેલ છે ધ્રોલ ખાતે ચાલી રહેલા આ બાંધકામોના કૌભાંડો અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો કરોડો રૂા. ના કૌભાંડો બહાર આવે અને ભાજપા શાસિત આ નગરપાલિકા દ્વારા થઈ રહેલા વિકાસની વિગતો પ્રકાશમાં આવે.
ધ્રોલમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ…?!
નોટિસ ફટકાર્યા બાદ પાલિકા દ્વારા ઢીલીનીતિ : સતાધારી પક્ષના બે મહિલા સદસ્યોની ચીફ ઓફિસરને રજૂઆત