જામનગર શહેરમાં કોરોના કપરાકાળ બાદ પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મંગળવારે 24 ટુકડીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 387 જોડાણો તપાસતા તે પૈકીના 54 માં ગેરરીતિ ઝડપાતા 12.65 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. જ્યારે આજે બીજા દિવસે પણ ચેકીંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી હતી.
લાંબા સમય બાદ પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરમાં મંગળવારે વિજચોરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ કુલ 24 ટુકડીઓ દ્વારા 20 લોકલ પોલીસ, ત્રણ વીડિયોગ્રાફર સહિતના બંદોબસ્ત વચ્ચે શહેરના દરબારગઢ, સાત રસ્તા અને સેન્ટલ ઝોન અંતર્ગત આવતાં નવાગામ ઘેડ, ધરારનગર, ગુલાબનગર, યાદવનગર, ભીમવાસ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજ ટુકડીઓ દ્વારા આ વિસ્તારમાં કુલ 387 વિજકનેકશનો ચેક કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 54માં ગેરરીતિ હોવાનું માલુમ પડતાં આસામીઓને કુલ રૂા.12.65 લાખના આકરણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં. લાંબા સમયબાદ હાથ ધરાયેલી આ ઝુંબેશને કારણે વિજચોરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
તેમજ બીજા દિવસે આજે જામનગરના ખંભાળિયા ગેઈટ, નગરસીમ અને ઈન્ડસ્ટ્રીયલ સબ ડીવીઝનના વિસ્તારોમાં 23 ટીમો દ્વારા 20 લોકલ પોલીસ અને ત્રણ વીડિયોગ્રાફરો સાથે કાલાવડ નાકા બહાર, સાધના કોલોની, કિસાન ચોક, 49 દિગ્વીજય પ્લોટ, વિશ્રામવાડી સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.