સંસદમાં સાંસદો પેગાસસને લગતો કોઈ સવાલ પૂછી શકશે નહીં તેવું પગલું કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. સરકારે રાજ્યસભાના સચિવાલયને પત્ર લખીને આ અંગેની જાણ કરી છે જેમાં એવું કારણ દર્શાવાયું છે કે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓ વિચારાધીન છે. આથી મામલો સબજ્યુડિસ હોવાથી સંસદમાં તે મુદ્દો ઉઠાવી શકાય નહીં. દેશમાં અને વિશ્વમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો છે. સાંસદો જાણવા માગે છે કે સરકાર અને ઇઝરાયેલની સાઇબર સુરક્ષા કંપની વચ્ચે સ્પાયવેર સોફ્ટવેર પેગાસસની ખરીદી કે વેચાણ અંગે કોઈ સોદો થયો છે કે કેમ? ભારતમાં પેગાસસ સ્પાયવેર દ્વારા કેટલાક પત્રકારો તેમજ અન્ય મહાનુભાવોના ફોન ટેપ કરીને જાસૂસી કરાઈ હોવાનો વિરોધપક્ષોએ આક્ષેપ કર્યો છે. સરકારે કહ્યું છે કે સંસદમાં પેગાસસને લગતા સવાલો ફગાવી દેવામાં આવે. તેના પર ચર્ચા ન કરાય કે જવાબની મંજૂરી આપવામાં આવે નહીં.
સરકાર દ્વારા રેટ્રો ટેક્સ રદ કરવા રજૂ કરવામાં આવેલું ટેક્સેશન લો (સુધારા) બિલ 2021 લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. કેઈર્ન એનર્જી તેમજ વોડાફોન સામેના કેસ હારી ગયા પછી સરકારે આ કાયદો રદ કરવા નક્કી કર્યું હતું, કેન્દ્રનાં નાણાપ્રધાન સીતારામને લોકસભામાં કહ્યું હતું કે, રેટ્રોસ્પેક્ટિવ ટેક્સમાં માનતા નહીં હોવાથી તેને રદ કરવાનું વચન ભાજપ સરકારે પાળી બતાવ્યું છે.
સરકારે રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને જણાવ્યું હતું કે, સાંસદ બિનોય વિશ્વમ દ્વારા પૂછવામાં આવેલા સ્વીકૃત પ્રશ્નનો 12 ઓગસ્ટે જવાબ આપવાની પરવાનગી આપવામાં આવે નહીં. આ પછી બિનોય વિશ્વમે આક્ષેપ કર્યો હતો કે રાજ્યસભા નિયમોનો દુરુપયોગ કરીને જવાબ આપવામાંથી છટકવા માગે છે. સરકારે પેગાસસ મામલે સવાલોનો સામનો કરવો જોઈએ.
વિદેશી કંપનીઓ સાથે ભારત સરકારનાં એમઓયુ હેઠળ વિશ્વમ એ જાણવા માગતા હતા કે સરકારે વિદેશી કંપનીઓ સાથે કેટલા એમઓયુ કર્યા છે તેની સેક્ટર દીઠ માહિતી આપે, કોઈ એમઓયુ આતંકી ગતિવિધિ રોકવા કે સાઇબર સુરક્ષા પર અંકુશ લગાવવા કર્યો છે કે કેમ? સરકારે ઇઝરાયેલની કંપની સાથે કરાર કર્યો હોય તો તેની વિગતો આપે.