દ્વારકામાં આજથી આશરે દોઢેક માસ પહેલા નોંધાયેલા સગીરાના અપહરણ કેસ સંદર્ભે દ્વારકા પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો.
દ્વારકા તાલુકામાં રહેતી એક સગીર વયની તરૂણીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી જવા સબબ તારીખ 23 જૂનના રોજ દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી થતા ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીની સુચના મુજબ દ્વારકાના પી.આઈ પી.બી. ગઢવી તથા સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે દ્વારકા પોલીસ સ્ટાફની એક ટીમ રાજસ્થાન તરફ મોકલવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. યુ.બી. ખેડ તથા એ.એસ.આઈ. હરીશંકરભાઈ ભટ્ટ, રવિભાઈ હેરભા, અરશીભાઈ ગોજીયા, રાજુભાઈ ઓળકિયા તથા હિરલબેન મકવાણાની ટીમ દ્વારા આ અંગેની કાર્યવાહી કરી રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લાના ખમનોર તાલુકાના કરાઇ ગામ ખાતે રહેતા મિથુનદાસ પૂનમદાસ ઉર્ફે બાબુદાસ સામી પંડિત નામના 21 વર્ષના યુવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આ શખ્સના કોરોના ટેસ્ટ તથા ધરપકડ સહિતની જરૂરી કામગીરી દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.