અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને અનામત માટે રાજ્યોને મળેલ અધિકાર ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે આના માટે હવે સંસદનો રસ્તો પસંદ કર્યો છે. આ અંગેના વિધેયકને આગામી બુધવારે કેબીનેટ સમક્ષ રજુ કરાશે. ત્યાંથી મંજૂરી મળ્યા પછી તેને સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્રમાં રજુ કરાશે. આ વિધેયકને સંસદના બન્ને સદનોમાં આગામી દિવસોમાં પસાર કરાવવાની યોજના છે. ઓબીસીની ઓળખ કરવાનો અને યાદી બનાવવાનો રાજ્યનો અધિકાર ગેરકાયદેસર ગણાવતા સુપ્રિમના ચુકાદા પછી સરકારે આ પગલુ ભર્યું છે. કોર્ટનું કેહવું હતુ કે 102માં બંધારણીય સુધારા પછી રાજ્યોને સામાજીક અને આર્થિક આધાર પર પછાતોની ઓળખ કરવાનો અલગથી યાદી બનાવવાનો કોઇ અધિકાર નથી. ફકત કેન્દ્ર જ આવી યાદી બનાવી શકે છે અને તે જ માન્ય ગણાશે.
સુપ્રીમના આ ચુકાદા પછી એક નવો વિવાદ ઉભો થયો હતો. કેમ કે હાલમાં ઓબીસીની કેન્દ્ર અને રાજ્યોની યાદી અલગ અલગ છે.
રાજ્યોની યાદીમાં ઘણી એવી જાતિઓને રખાઇ છે. જે કેન્દ્રની યાદીમાં નથી. કેન્દ્ર આ મામલે એટલે પણ સતર્ક છે, કેમ કે રાજ્યની યાદીના આધારે જ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમીશનમાં અનામતનો લાભ મેળવે છે. એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ થવાથી આ જાતિઓને નુકસાન થવાનો ખતરો છે.
અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઇ પણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતી. એટલે જ સરકારે સુપ્રીમનો ચુકાદો આવ્યા પછી જ ચોખવટ કરી દીધી હતી કે તે આની સાથે સહમત નથી અને તે રાજ્યોને તેના અધિકાર પાછો આપશે.
કેન્દ્ર સરકારે મરાઠા અનામત પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ દ્વારા અપાયેલ ચુકાદા વિરૂધ્ધ પુનર્વિચારની અરજી પણ દાખલ કરી હતી પણ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ત્યાર પછી સરકારે આ પગલુ લીધુ છે. ઓબીસીની કેન્દ્રીય યાદીમાં હાલમાં લગભગ 2600 જાતિઓ સામેલ છે.
જુદાં-જુદાં રાજયોની વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે, મોદીસરકારનો ઓબીસી અનામતનો દાવ
અનામત મામલે રાજયોના અધિકાર મુદ્દે સુપ્રિમ કોર્ટનો મત કેન્દ્ર સરકારને પસંદ નથી: સંસદના માર્ગે આગળ વધવા સરકાર સક્રિય