આગામી શ્રાવણ માસ દરમિયાન જામનગરના ઔદ્યોગિક એકમો સોમવારે બંધ નહીં રાખવાનો નિર્ણય ઔદ્યોગિક સંસ્થાએ ફરીથી ફેરવી તોળ્યો છે. અગાઉ લોકમેળાઓ રદ્દ થવાને કારણે જામનગરના ઔદ્યોગિક એકમો શ્રાવણ માસ દરમિયાન પણ શુક્રવારે રાબેતામુજબ ચાલુ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ, આ નિર્ણયમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર હવે શ્રાવણ માસ દરમિયાન ઔદ્યોગિક એકમો શુક્રવારને બદલે સોમવારે બંધ રહેશે.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની યાદી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાઓ રદ્દ કરવામાં આવ્યા બાદ શ્રાવણ માસ દરમિયાન સોમવારે ઉદ્યોગો બંધ નહીં રાખી રાબેેતા મુજબ શુક્રવારે જ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ, એસોસિએશનના સભ્યોની રજૂઆત અને લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન શહેરના ઔદ્યોગિક એકમો સોમવારે જ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અનુસાર આગામી તા.9, 16, 23, 30 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બરે આવતા સોમવારે ઔદ્યોગિક એકમો બંધ રહેશે.
શ્રાવણ માસમાં જામનગરના ઔદ્યોગિક એકમો સોમવારે જ બંધ રહેશે
અગાઉ લોકમેળા રદ્દ થયા હોવાને કારણે રાબેતા મુજબ શુક્રવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો : રજૂઆત બાદ ફેકટરી ઓનર્સ એસોસિએશને નિર્ણયમાં કર્યો ફેરફાર