જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે કરદાતાઓને યોગ્ય કાર્યવાહી કર્યા વગર નોટીસ પાઠવી દેતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના એક કરદાતા સાથે થયો અને કરદાતાને ડીઆરસી-07ની જગ્યાએ ડીઆરસી-01 ફોર્મ પાઠવીને તેમની પાસે ઇન્ટરેસ્ટની રિકવરી કરવામાં આવી હતી. જેથી કરદાતા ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને દાદ માંગી હતી. હાઇકોર્ટે જીએસટી અધિકારીઓની ભૂલ ગણાવીને પધ્ધતિસરની કાર્યવાહી ન કરી હોવાનું ઠેરવ્યું હતું.
હાઇકોર્ટે રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે, જીએસટી ડિપાર્ટમેન્ટ જીએસટીમાં રહેલી યોગ્ય કાર્યવાહી કર્યા વગર જીએસટીની રિકવરી કરદાતા પાસેથી કરી શકે નહીં. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, ડીઆરસી-01એ શોકોઝ નોટીસ છે. જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ યોગ્ય કાર્યવાહી કરી ડીઆરસી-07 નામના ફોર્મમાં ટેકસની રકમ, ઇન્ટરેસ્ટની રકમ અને પેનલ્ટીની રકમ કરદાતા પાસે લેણી ન બતાવે ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કરદાતા ડીઆરસી-01 નામના ફોર્મ ઉપર રિકવરી ના કરી શકે. આમ હાઇકોર્ટે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કર્યા વગર ડીઆરસી-01 ફોર્મ પર કરાતી કાર્યવાહીને ગેરકાયદેસર ગણી છે.