રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુશાસન સપ્તાહની ઉજવણી સમયે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગી આગેવાનોએ કેમ્પસમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ર્નો-જવાબો પરથી ગુજરાતના શિક્ષણના આંકડાઓ રજૂ કરી રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર 10માંથી 6 દીકરીએ ધોરણ 10 પછી અભ્યાસ છોડવા મજબૂર બનવું પડે છે. 31% શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. રાષ્ટ્રીય પરીપ્રેક્ષ્યમાં 33 રાજ્યોમાં ગુજરાતનું શિક્ષણ દિનપ્રતિદિન પાછળ ધકેલાતા આજે 29માં ક્રમે પહોંચ્યું છે. 2011થી અત્યાર સુધીમાં 8500થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ કરી. 53% શાળાઓમાં હાજરી જણાતી નથી, 57% શિક્ષકો પુસ્તકો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જુદા જુદા ચાર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારે જ્યારે આ કાર્યક્રમો ચાલી રહ્યા હતા તે સમય દરમિયાન જ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનો શિક્ષણનું ખાનગીકરણ બંધ કરવા અને કોરોનાકાળમાં કોલેજો બંધ રહી છતાં ઊંચી ફી ઉઘરાવી તે ફી માફી આપવા સહિતના જુદા જુદા મુદ્દે માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યુનિવર્સિટીના સત્તાધીશોએ જ્યાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સેનેટ હોલ સહિતના સ્થળના દરવાજા બંધ કરાવી દીધા હતા અને પોલીસ બોલાવવી પડી હતી. કાર્યક્રમમાં કાર્યકરોએ શિક્ષણ વેપાર બંધ કરો, ફી માફી આપો, શિક્ષકોની ભરતી કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.પરેશ ધાનાણી સહિત 10 આગેવાનની પોલીસે અટકાયત કરી હતી.
ભાજપાના જ્ઞાનશકિત દિવસે, કોંગ્રેસે લોકો સમક્ષ સરકારી જ્ઞાન પિરસ્યું
10 વર્ષમાં ગુજરાતમાં 8,500 સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લાગી ગયા: 33 રાજયોની યાદીમાં ગુજરાત શિક્ષણમાં છેક 29મા ક્રમે