ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા મજૂરીકામ કરતા યુવાનની પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસની જીણવટભરી તપાસના અંતે યુવતીની હત્યા તેણીના જ પતિ એ નિપજાવ્યાનું ખુલતા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની સીમમાં રહેતી જંકુબેન કેરુભાઈ ડાવર (ઉ.વ.24) નામની યુવતીએ મંગળવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની મૃતકના પતિ કેરુ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરી હતી. જાણના આધારે પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન મૃતકના પતિએ પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્નિ સીડી પાસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. જો કે, આ બનાવમાં મૃતકના ભાઈ રાજુ ભીંડેને તેના બનેવી કેરુ ઉપર શંકા જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં પીએમ કરાવવાની માંગણી કરી હતી. જેથી પોલીસે યુવતીનું પેનલ પીએમ કરાવવા જામનગર મોકલ્યો હતો.
દરમિયાન પેનલ પીએમના રિપોર્ટમાં યુવતીને ગળેટૂંપો દઈ હત્યાનું તારણ આવતા પોલીસે મૃતકના પતિ કેરુની આકરી પૂછપરછ કરતા તેણે તેની પત્નીની હત્યા નિપજાવ્યાની કેફિયત આપી હતી અને જણાવ્યું હતું કે, નાની-નાની બાબતોમાં અમારા-બન્ને વચ્ચે ઝઘડાઓ થતા હતાં પરંતુ પોલીસને આ કારણ ગળે ઉતર્યુ ન હોવાથી વધુ પૂછપરછ હાથ ધરતા કેરુએ સાસરિયાઓ પાસેથી વધારે પૈસા પડાવવા માટે સતત દબાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું અને પ્રેમલગ્ન કર્યા બાદ સાસરિયાઓ પાસેથી એક લાખ પડાવી લીધા હતાં અને વધુ પૈસા માટે દબાણ કરતો હતો પરંતુ સાસરિયાઓ દ્વારા પૈસા ન મળતા પત્નીની ગળેટૂંપો દઈ હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારા પતિની વિધિવત ધરપકડ કરી મૃતકના ભાઈ રાજુના નિવેદનના આધારે પતિ કેરુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.