કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા પ્રૌઢ દંપતી ઉપર મકાન નામે કરાવવા માટે નરાધમ પુત્રએ લોખંડના બકલવાળા પટા વડે આડેધડ માર મારી લોહીલુહાણ કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલાખોરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ફિટકારજનક બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ તાલુકાના મૂળ રાજડાના વતની અને નિકાવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા અરવિંદ પોમાભાઈ કંટારિયા (ઉ.વ.52) નામના મજૂરીકામ કરતા પ્રૌઢ સોમવારે રાત્રિના સમયે તેના ઘરે હતાં તે દરમિયાન તેનો નરાધમ પુત્ર વિજય ઘરે આવ્યો હતો અને રાજડા ગામમાં રહેલું મકાન તેના નામે કરી આપવાનું કહેતા પિતા અરવિંદભાઈએ મકાન ખાતે કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા અને માતા વનિતાબેનને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લોખંડના બકલવાળા પટા વડે આડેધડ માર મારી, પિતા અરવિંદભાઈને કપાળના ભાગે માર મારતા લોહીલુહાણ થઈ ગયા હતાં ત્યારબાદ પુત્ર વિજયએ પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દરમિયાન ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણ થતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે અરવિંદભાઈના નિવેદનના આધારે વિજય વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી નરાધમ પુત્રની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.