અમદાવાદના અસલાલી વિસ્તારના બારેજા પાસેના ગોડાઉનમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના સાત સભ્યોના ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મૃત્યુ નીપજ્યા છે. જે પૈકી 4 બાળકો છે. 20 જુલાઈએ મધરાતે બારેજા-મહીજડા રોડ પર ફેક્ટરીના રૂમમાં રહેતા મધ્યપ્રદેશનો પરિવાર ઉંઘી રહ્યો હતો. ત્યારે જ બાજુમાં રહેતા રાજસ્થાનના ફુલસિંગે મોડી રાતે જાણ કરી હતી કે ઘરમાંથી ગેસની ગંધ આવી રહી છે.ઉંઘમાંથી જાગેલા સ્વજનો કંઈ સમજે તે પહેલા ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરતા ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાં 10લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. અને 7ના મૃત્યુ થયા છે. ત્રણ લોકો હાલ સારવાર હેઠળ છે. ગેસ બ્લાસ્ટ થતાં ઘરના પતરાં ઉડી ગયા હતા. બધો સામાન ઘરની બહાર ઉડીને પડ્યો હતો.
મંગળવારે રાતે બનેલી ઘટનામાં ગુરુવારે સારવાર દરમિયાન 3 લોકો અને શુક્રવારે 4 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના નામ રામપ્યારી બાઈ અહિરવાર (ઉં.વ.56),રાજુભાઈ અહિરવાર (ઉં.વ.31),સોનુ અહિરવાર (ઉં.વ.21),વૈશાલી બેન અહિરવાર (ઉં.વ.7), નિતેશભાઈ અહિરવાર (ઉં.વ. 6), પાયલબેન અહિરવાર (ઉં.વ.4), આકાશભાઈ અહિરવાર (ઉં.વ.2)નો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શ્રમિકોના પરિવારજનોને 4લાખ અને બાળકોના પરીવારજનોને 2લાખની સહાયની જાહેરાત કરી છે.