પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા મુદ્દે નનૈયો ભણ્યો છે તેમણે જણાવ્યું કે, જો અન્ય રાજ્યો પેટ્રોલ અને ડીઝલનો વેટ ઘટાડશે તો ગુજરાત સરકાર પણ આ દિશામાં જરૂરથી વિચારશે.
ટૂંકમાં હાલ ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના ઘટાડવાના મતમાં નથી. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સો રૂપિયાની નજીક પહોંચી ચૂક્યા છે. છેલ્લા કેટલાય વખતથી રોજેરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભાવોને કારણે ખાનગી વાહનોના ભાડા પણ વધ્યા છે એટલું જ નહીં, પણ આગામી મહિનાથી ખાનગી લકઝરી બસોના ભાડામાં પણ વધવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં લોકોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે. દરમિયાન નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને ઓઇલના ભાવો વધતાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
તેમણે એક જ વાતનું ફરી રટણ કર્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વેટનો દર સૌથી ઓછો છે અન્ય રાજ્યોમાં વેટનો દર વધુ છે જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યોનો પણ સમાવેશ થાય છે. જો બીજા રાજ્યો વેટ ઘટાડશે તો ગુજરાત સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ જરૂરથી ઘટાડશે.
આમ નાણા મંત્રી નીતિન પટેલે વેટ ઘટાડવાનો મુદ્દો અન્ય રાજ્યોના માથે ઢોળી દીધો હતો. વાસ્તવમાં જો કેન્દ્ર સરકાર વર્ષ 2020માં વધારેલો ટેક્સ રદ કરે તો પેટ્રોલમાં બે રૂપિયા અને ડીઝલમાં એક રૂપિયાનો ઘટાડો થઈ શકે તેમ છે આ ઉપરાંત રાજ્ય સરકાર ઘટાડી અને જો દસ ટકા કર્યા તો બીજા પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.