જામનગર શહેર નજીક આવેલી ઠેબા ચોકડી નજીક વહેલીસવારના સમયે પસાર થતી કાર વીજપોલ સાથે અથડાતા અકસ્માતમાં યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક ઠેબા ચોકડી નજીક આજે વહેલીસવારના સમયે પસાર થતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેમજ રેશ્માબેન (ઉ.વ.28) નામની યુવતીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવતીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર વીજપોલ સાથે અથડાતા યુવતીનું મોત
વહેલીસવારે ગમખ્વાર અકસ્માત: અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા