જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ગર્ભવતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના પિતાએ ચાર શખ્સો વિરૂધ્ધ તેની પુત્રીને શારીરિક માનસિક ત્રાસ આપી ગર્ભ પરીક્ષણ માટે દબાણ કરી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં કાજલબા સિધ્ધરાજસિંહ વાળા (ઉ.વ.26) નામની ચાર માસનો ગર્ભ ધરાવતી યુવતીએ તેણીના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતક યુવતીના પિતા અભેસંગ જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ સિધ્ધરાજસિંહ સુરુભા વાળા, સાસુ ધુ્રપતબા ઉર્ફે હસુબા સુરુભા વાળા, સસરા સુરુભા વાળા અને દિયર મયુરસિંહ સુરુભા વાળા નામના ચાર શખ્સોએ કાજલબા સાથે નાની નાની બાબતોમાં બોલાચાલી કરી શારીરિક – માનસિક ત્રાસ આપતા હતાં તેમજ યુવતીને ચાર માસનો ગર્ભ હોય જેથી ગર્ભ પરિક્ષણ માટે દબાણ કરતાં હતાં પરંતુ યુવતી ગર્ભ પરિક્ષણ કરાવવા માગતી ન હતી. જેના કારણે સાસરિયાઓ દ્વારા અપાતા અવાર-નવારના શારીરિક અને માનસિક ત્રસ્ત કાજલબાએ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતક ગર્ભવતિ યુવતીના પિતાએ સાસરિયાઓ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.