Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશ આખો કોરોનાથી પિડાતો હતો ત્યારે સરકાર ઇંધણમાં ‘નોટું’ છાપતી’તી !!

દેશ આખો કોરોનાથી પિડાતો હતો ત્યારે સરકાર ઇંધણમાં ‘નોટું’ છાપતી’તી !!

આગલાં વર્ષની સરખામણીએ સરકારે પેટ્રોલ-ડીઝલમાં 88 ટકા વધુ કમાણી કરી !

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર રૂ. 94,181 કરોડની એક્સાઈઝ ડ્યૂટી વસૂલી છે, જે ગયા વર્ષ કરતા 88% વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થયા પછી પેટ્રોલ પરની પ્રતિ લિટર ડ્યૂટી રૂ. 19.98થી વધારીને રૂ. 32.9 કરાઈ હતી. એવી જ રીતે ડીઝલ પરની પ્રતિ લિટર ડ્યૂટી રૂ. 15.83થી વધારીને રૂ. 31.8 કરાઈ હતી. આમ, ડ્યૂટીમાં વધારા પછી એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન વધીને રૂ. 3.35 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગયા વર્ષે રૂ. 1.78 લાખ કરોડ હતું.

- Advertisement -

રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી રામેશ્વર તેલીએ સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ દરમિયાન સરકારને એક્સાઈઝ ડ્યૂટીની આવક વધારે થઈ હતી, પરંતુ લોકડાઉન તેમજ અન્ય ઔદ્યોગિક પ્રતિબંધોના કારણે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં જંગી ઘટાડો થયો હતો. એપ્રિલથી ચાલુ થતાં નાણાકીય વર્ષમાં ગયા વર્ષ કરતાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણનું વેચાણ વધ્યું છે, જેથી એક્સાઈઝ ડ્યૂટીની આવક પણ વધી છે.

રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ એક અન્ય પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે એપ્રિલથી જૂન 2021 સુધીના પહેલા ત્રિમાસિકમાં પેટ્રોલ-ડીઝલ પર એકત્ર કરાયેલી કુલ એક્સાઈઝ ડ્યૂટી રૂ. 94,181 કરોડ છે, જ્યારે 2018-19માં એક્સાઈઝ ડ્યૂટીની કુલ આવક રૂ. 2.13 લાખ કરોડ હતી. આ ઉપરાંત એટીએફ અને નેચરલ ગેસ જેવાં અન્ય પેટ્રો ઉત્પાદનોની કુલ એક્સાઈઝ ડ્યૂટીની આવક એપ્રિલ-જૂન 2021માં રૂ. 1.01 લાખ કરોડે પહોંચી છે.

- Advertisement -

લોકસભામાં આપેલા જવાબમાં તેલીએ કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલમાં 39 વાર અને ડીઝલમાં 36 વાર ભાવવધારો કરાયો છે. એવી જ રીતે, આ ગાળામાં પેટ્રોલનો ભાવ એક વાર અને ડીઝલનો ભાવ બે વાર ઘટ્યો છે. ગયા વર્ષે પેટ્રોલના ભાવમાં 76 વાર વધારો અને 10 વાર ઘટાડો થયો હતો, જ્યારે ડીઝલમાં 73 વાર વધારો અને 24 વાર ઘટાડો થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular