કોરોના મહામારીને લીધે ખાનગી હોસ્પિટલોમાં સર્જાયેલી આગની દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે કઠોર ટિપ્પણી કરી છે. કોર્ટે સોમવારે એક સુનાવણી સમયે કહ્યું હતું કે હોસ્પિટલ હવે એક મોટા ઉદ્યોગમાં તબદિલ થઈ ગઈ છે,જે માનવીના જીવની કિંમતો પર ચાલી રહી છે. હવે દેશની હોસ્પિટલોમાં માનવતાનો અંત આવી ગયો છે. ત્રણ-ચાર રૂમમાં ચાલતી આ હોસ્પિટલોને બંધ કરી દેવી જોઈએ.
ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમઆર શાહની બનેલી ખંડપીઠે કહ્યું હોસ્પિટલ હવે એક મોટા ઉદ્યોગમાં બદલાઈ ગઈ છે, જે લોકોના દુખ-પીડા પર ચાલે છે. અમે તેને માનવીના જીવનની કિંમત પર સમૃદ્ધ થવા કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકીએ નહીં. આવી હોસ્પિટલો તાત્કાલિક બંધ કરવામાં આવે અને સરકારે તેની જાહેર સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવી જોઈએ. દેશભરમાં કોરોનાના દર્દીનો યોગ્ય ઈલાજ, બોડીની રાખવાની વ્યવસ્થા અને હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અંગે સુનાવણી સમયે કોર્ટે આ ટકોર કરી હતી.
મહારાષ્ટ્રના નાસિકમાં ગયા વર્ષે એક દુર્ઘટનામાં કેટલાક નર્સ તથા દર્દીઓ માર્યા જવાની ઘટનાને ટાંકી ન્યાયમૂર્તિઓની ખંડપીઠે કહ્યું કે એ યોગ્ય રહેશે કે રહેઠાણ કોલોનીઓના બે-ત્રણ રૂમમાં સંચાલિત નર્સિંગ હોમ અથવા હોસ્પિટલોને બંધ કરી દેવામાં આવે. સરકારે પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવે. આ એક માનવીય આપદા છે.
કોર્ટે ફાયર સેફ્ટી માટે આવશ્યક નિયમોના પાલનને લગતા આદેશ નહીં માનવા બદલ ગુજરાત સરકારની પણ આકરી ટીકા કરી હતી. ગુજરાત સરકારે 8 જુલાઈના રોજ એક નોટિફિકેશન ઈશ્યુ કર્યું હતું કે હોસ્પિટલોએ વર્ષ 2022 સુધી નિયમનું પાલન કરવું જરૂરી નથી. સુપ્રીમ ટકોર કરી કે શું લોકો મરતા રહેશે અને સળગતા રહેશે..?
હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સંબંધિત એક અહેવાલ સીલબંધ કવરમાં આપવા અંગે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતા કહ્યું- આ રિપોર્ટ સીલબંધ કવરમાં શા માટે છે? શું તે કોઈ ન્યૂક્લિયર સીક્રેટ છે?
કોર્ટે 9 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે રાજ્યોની હોસ્પિટલમાં જે ફાયર સેફટી ઓડિટ કરાયું હતું, એનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરો. ત્યારપછી સુપ્રીમ કોર્ટે 18 ડિસેમ્બરે આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે પ્રત્યેક કોવિડ હોસ્પિટલમાં મહિનામાં ઓછામાં ઓછું એકવાર ફાયર ઓડિટ કરવું જોઇએ. જેના માટે એક કમિટિનું નિર્માણ કરીને હોસ્પિટલના મેનેજમેન્ટમાં કંઇ ખામી હોય તો એની જાણ કરવી જોઇએ.
જે હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા એનઓસી નથી મળી એના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પણ કોર્ટે આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારે કોર્ટના સેફટી આદેશોને અવગણીને 8 જુલાઈએ નોટિફિકેશન જાહેર કરી અને આની વેલિડિટી 2022 જૂન સુધી વધારી દીધી હતી.
કોર્ટે આને અપમાન ગણાવ્યું હતું. આની સાથે જ ખંડપીઠે ગુજરાત સરકારને ડિસેમ્બર 2020ના આદેશ અનુસાર જે ઓડિટ કરાયું હતું એનો વિસ્તાર પૂર્વક રેકોર્ડ રજૂ કરવા તાકીદ કરી હતી. કોર્ટે આ કેસ પર બીજી સુનાવણી 2 સપ્તાહ પછી કરશે.