પેટ્રોલ અને દૂધના ભાવ વધારાની સાથે હવે દેશના સામાન્યજન માટે યાત્રાનું સસ્તુ અને સરળ માધ્યમ રેલવે પણ નફાખોરી તરફ જઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણને વેગ આપવામા આવ્યો છે અને ટૂક સમયમાં જ 197 ટ્રેનોનું ખાનગીકરણ કરવા માટે સરકાર ટેન્ડર બહાર પાડી રહી છે. તેમણે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે ’ખાનગી ઓપરેટરો દ્વારા ટ્રેન ચલાવવાના પાયલોટ પ્રોજેક્ટ બાદ સરકાર હવે 197 ટ્રેનો ખાનગી ઓપરેટરોને સોંપવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી રહી છે. આ 197 ટ્રેનોમાં 50 ટ્રેન વેસ્ટર્ન રેલવેની પણ છે. આ 197 ટ્રેનો માટે કરોડોનું ટેન્ડર ભરીને ખાનગી ઓપરેટરો જ્યારે ટ્રેન ચલાવશે ત્યારે સ્વાભાવિક છે કે નફાખોરી કરશે અને તેનુ ભારણ મુસાફરો ઉપર જ પડશે. આ ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં પણ ધરખમ વધારો કરવામા આવ્યો છે. હાલમા પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.10 છે તેમા વધારો કરીને રૂ.50 કરી દેવામાં આવશે અને તેનો અમલ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. તો એ.સી. ક્લાસમાં મુસાફરોને આપવામાં આવતા બેડરોબ (બ્લેન્કેટ, તકિયો વગેરે) અને ભોજન તથા પાણીની બોટલ પણ બંધ કરી દેવામાં આવી છે. આ સેવાઓનો ચાર્જ રેલવે દ્વારા ટિકિટમાં વસુલ કરવામાં આવતો હતો. સેવાઓ તો બંધ કરી પરંતુ ટિકિટના દર યથાવત રાખ્યા છે તેમાં ઘટાડો નથી કર્યો જે મુસાફરો સાથે અન્યાય છે.
રેલવે દ્વારા કોરોનાકાળ દરમિયાન જે ટ્રેનો ચલાવવામાં આવી તે ટ્રેનોમા પણ રેલવેએ રાહત આપવાના બદલે નફાખોરી કરી અને સ્પેશિયલ ટ્રેન તરીકે રોજિંદી ટ્રેનો દોડાવીને તેના ભાડામાં 15 થી 30 ટકાનો વધારો કરી દીધો. પ્રજા હાલમાં મહામારી, મંદી અને મોંઘવારીમાં પિસાઇ રહી છે તેવા સમયે જ રેલવેના આ નિર્ણયો પ્રજા માટે મરણતોલ ઘા સમાન સાબિત થશે. એમ આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખે કહ્યું હતું.