જામનગર શહેરમાં નાગરિકોને સમયસર વેક્સિન મળતી ન હોય અને મહાનગરપાલિકા વેક્સિનનું દાન કરી રહી હોવાના આક્ષેપ સાથે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીમાં જામનગર શહેર દયનિય અને કફોડી પરિસ્થિતિમાં છે. હાલમાં જામનગરમાં દરેક આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણમાં વેક્સિન નથી. એક તરફ વેક્સિનની અછત અને બીજીબાજુ ખાનગી સંસ્થાઓને જોઇએ તેટલી વેક્સિન પુરી પાડવામાં આવે છે. હાલ ફકત 2000 ડોઝ વેક્સિન છે. તેવું જાહેર કરાયું છે. જામનગર મહાનગરપાલિકામાં બાર આરોગ્ય કેન્દ્ર છે. જ્યારે 15 થી 18 જગ્યા એવી છે કે, જ્યાં કોર્પોરેશન ખુદ વેક્સિનની કામગીરી કરે છે. આમ છતાં પ્રજાના નાણાંથી ખરીદાયેલી સરકારી વેક્સિન ખાનગી હાથોમાં પહોંચી જાય છે અને ખાનગી સંસ્થાઓ પ્રજાના નાણાં લૂંટે છે. કોર્પોરેશન માટે જામનગર શહેરમાં તોતિંગ સ્ટાફ તો છે જ જેને પ્રજાના નાણાંથી પગારો ચૂકવાય છે. તો શા માટે કોર્પોરેશન ખુદ વેક્સિન કેન્દ્રોમાં કામગીરી કરતું નથી?
આ ઉપરાંત જામનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં વેક્સિનનો કેટલોય જથ્થો ક્યારે-ક્યારે આવ્યો ? તે પૈકી આરોગ્ય કેન્દ્રમાં કેટલો ડોઝ આવ્યા ? તથા ખાનગી સંસ્થાઓને કેટલાં ડોઝ ફાળવવામાં આવ્યા? આવી વિગતો જાહેર કરાતી નથી. આરોગ્ય કેન્દ્રમાં લાઇનમાં રહીને વેક્સિન અપાઇ છે. ત્યારે ખાનગીકરણમાં ગમે ત્યારે વેક્સિન મળે છે. આથી આ બાબતની યોગ્ય તપાસ કરવા અને જવાબદાર અધિકારી ઉપર કાયદેસરના પગલા લેવા અને તાત્કાલિક ધોરણે જામનગરની જનતાને આરોગ્ય કેન્દ્ર મારફતે પુરતા પ્રમાણમાં વેક્સિનની વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, નુરમામદ તલેજા, આનંદ રાઠોડ, સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરએ વેકિસનને લઇ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જામનગરમાં વેકિસનેશન પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તમામ લોકોને પુરતાં પ્રમાણમાં રસીમળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે અને તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે શાંતિ પુર્ણ રીતે રસી મેળવી શકે તે માટે પણ આયોજનબધ્ધ રીતે રસીકરણ પ્રક્રિયા યથાવત રહેશે.