કોરોનાની બીજી અને ઘાતક લહેર પરાકાષ્ઠા ઉપર હતી ત્યારે જ કુંભ મેળાનું આયોજન અને તેમાં એકઠી થયેલી માનવમેદનીની દેશ અને દુનિયામાં ભારે ટીકા થઈ હતી. હવે આ વિવાદાસ્પદ આયોજનમાં વધુ એક ગંભીર બેફિકરાઈનો ઘટસ્ફોટ થયો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા કુંભમાં જે ખાનગી એજન્સીને કોરોના ટેસ્ટનો ઈજારો આપવામાં આવ્યો હતો તેનાં દ્વારા 1 લાખ જેટલા નકલી રિપોર્ટ જારી કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
હરિદ્વાર જિલ્લા પ્રશાસને થોડા દિવસ પહેલા કુંભ મેળા દરમિયાન ફેક કોવિડ રિપોર્ટ જારી કરવાના આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે એક સિંગલ ફોન નંબર પર 50 થી વધુ લોકોની નોંધણી કરવામાં આવી હતી. આ અંગે હરિદ્વાર જિલ્લા મેજિસ્ટ્રેટ સી રવિશંકરે જણાવ્યું કે, કેસની તપાસ ચાલુ છે અને પ્રશાસન દ્વારા તમામ એજન્સીઓનું બાકીનું પેમેન્ટ આગામી આદેશ સુધી અટકાવી દેવાયું છે. આ તપાસ કરનાર એક અધિકારીએ જણાવ્યું કે લોકોના સરનામા અને નામ કાલ્પનિક હતા.
હરિદ્વારના ઘર નંબર 5 માંથી લગભગ 530 સેમ્પલો લેવામાં આવ્યાં. પરંતુ હવે ખરો સવાલ એ છે કે શું કોઈ એક ઘરમાં 500 લોકો રહી શકે ખરા? અધિકારીએ જણાવ્યું કે ફોન નંબર પણ ખોટા હતા અને કાનપુર, મુંબઈ, અમદાવાદના લોકો આ નંબરનો ઉપયોગ કરતા હતા. તેમણે કહ્યું કે આ તો હજુ શરુઆત છે. કારણ કે રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટ માટે આવી આઠ એજન્સીને કામે લગાડી હતી. હાઈકોર્ટે ઉત્તરાખંડ સરકારને કુંભ મેળા દરમિયાન દરરોજના ઓછામાં ઓછા 50,000 ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કુંભમાં કોરોના ટેસ્ટના કૌભાંડની ચોંકાવનારી વિગતો
1 લાખ જેટલાં બનાવટી કોરોના ટેસ્ટ થયાના ખુલાસો !