Sunday, December 22, 2024
Homeરાજ્યભાદરા નજીક પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

ભાદરા નજીક પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

પોલીસે પીછો કરતા એક કાર પલ્ટી અને બીજી દિવાલ સાથે અથડાઇ: એક બુટલેગર ઈજાગ્રસ્ત થતા ઝડપાયો : બીજો ફરાર : બન્ને કારમાંથી દારૂનો જથ્થો અને મોબાઇલ મળી રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં દારૂનો જથ્થો ભરેલી બે કાર સાથે નિકળેલા બુટલેગરોનો ફિલ્મીઢબે પોલીસે પીછો કરતા બે કિલોમીટર સુધી ભાગ્યા પછી એક કાર પલ્ટી મારી ગઈ હતી અને બીજી કાર દિવાલ સાથે અથડાતા એક બુટલેગર ઘવાયો હતો. આ ફિલ્મી દ્રશ્યોના અંતે પોલીસે 480 બોટલ દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બે કાર કચ્છ તરફથી આવી રહી હતી અને પોલીસને શંકા જતાં બન્ને કારને રોકવાનો પ્રયત્ન કરતા બન્ને કારના ચાલકો ભાદરા પાટીયાથી લખતર ગામ તરફ કાર સાથે ભાગવા લાગ્યા હતાં. જેથી પોલીસે બન્નેનો જીપમાં પીછો કર્યો હતો અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. બે કિ.મી. ની ભાગદોડ પછી જીજે-07-બીએન-1151 નંબરની કાર લખતર ગામ નજીક પલ્ટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. કારની અંદર બેઠેલો એક બુટલેગર ઇજાગ્રસ્ત થવાથી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ઈજાગ્રસ્ત જયરાજસિંહ ખેતુભા સોઢા (ઉ.વ.22) ગાંધીધામ કચ્છમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. જેની પોલીસ દ્વારા અટકાયત કરી તેની કારની તલાસી લેતા તેમાંથી 190 દારૂની બોટલોનો જથ્થો અને કાર વગેરે ચાર લાખની માલમતા કબ્જે કરી લેવામાં આવી છે.

પોલીસ દ્વારા જયરાજસિંહની વધુ પૂછપરછમાં દારૂનો જથ્થો ગાંધીધામના રાકેશ યાદવ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું તેમજ જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતા જયપાલસિંહ વનરાજસિંહ વાઘેલા નામના દ્વારા આયાત કરાયો હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે રાકેશ અને જયપાલસિંહ બન્નેને ફરારી જાહેર કરી શોધખોળ આરંભી છે.
આ ઉપરાંત તેની સાથે કાળા કલરની જીજે-03-કેપી-7036 નંબરની એક કાર પણ દારૂનો જથ્થો લઇને આવી હતી અને તે કાર ચાલક પણ પોલીસને જોઇને ભાગ્યો હતો. જે દોઢેક કિલોમીટર સુધી ભાગ્યા પછી કેશિયા ગામ નજીક આવેલા વીરા બા મંદિરની દિવાલ સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક તેમાંથી ભાગી છૂટયો હતો. પોલીસે તે કારની તલાસી લેતા તેની અંદરથી જુદી જુદી બનાવટની 290 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ કાર સહિત રૂા.5 લાખ 70 હજારની માલમતા કબ્જે કરી લીધી હતી. જ્યારે કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ દરોડામાં ત્રણ લાખની કિંમતની સેવરોલેટ કાર અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ તેમજ રૂા.90,500 ની કિંમતની 190 બોટલ દારૂ મળી રૂા. 4 લાખની કિંમતનો મુદ્દામાલ તેમજ રૂા.5 લાખની કિંમતની વર્ના કાર અને 5 હજારનો મોબાઇલ તથા 65800 ની કિંમતની 290 બોટલ દારૂ મળી કુલ રૂા.9,70,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જોડિયા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે જયરાજસિંહ ખેતુભા સોઢાની અટકાયત કરી નાશી ગયેલા જયપાલસિંહ વનરાજસિંહ વાઘેલા અને દારૂ સપ્લાયર ગાંધીધામમાં રાકેશ યાદવ સહિતના શખ્સો વિરૂધ્ધ જુદા જુદા ચાર ગુના નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular